નવાયાર્ડમાં કઝીનની હત્યાના બનાવમાં પકડાયેલા નૂરહસનને રિમાન્ડ,ચપ્પુ શોધવા પોલીસ કામે લાગી
વડોદરાઃ નવાયાર્ડ વિસ્તારમાં ગઇકાલે કઝીનની હત્યાના બનેલા બનાવમાં પકડાયેલા નૂરહસનને પોલીસે એક દિવસના રિમાન્ડ પર લઇ પૂછપરછ હાથ ધરી છે.
નવાયાર્ડ ચિસ્તીયાનગરમાં રહેતા અરબાઝ પઠાણ સાથે ગઇકાલે તકરાર કરનાર પાડોશી નૂરહસન પઠાણે ઉનડદીપ ટાઉનશિપ નજીક અરબાઝના પિતાના મામાના દિકરા જાકીરઅલી પઠાણ પર હુમલો કરવાનો પ્રયાસ કરતાં તે બચી ગયો હતો.જાકીરઅલીનો કઝીન હજરતઅલી અકબરઅલી પઠાણ(રહેમતપાર્ક, કરોડિયા રોડ)હુમલાખોરને રોકવા માટે આગળ આવતાં નૂરહસને તેની છાતીમાં ચાકુ હુલાવી દીધું હતું.જેથી હજરતઅલીનું મોત નીપજ્યું હતું.
ફતેગંજના પીઆઇ અજય ગઢવીએ હત્યાના આરોપી નૂરહસન અબ્દુલહસન પઠાણ(ચિસ્તીયા નગર,નવાયાર્ડ)ની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.પોલીસે તેની પાસે ચપ્પુ કબજે કરવા માટે પૂછપરછ કરતાં તેણે અવાવરૃ જગ્યાએ નાંખ્યું હોવાનું કહ્યું હતું.જેથી તેને શોધવા માટે ટીમ કામે લાગી છે.
તો બીજીતરફ નૂરહસને તે પત્ની સાથે દવાખાને જતો હતો ત્યારે મોહસીન અને અન્ય ત્રણ જણાએ તેની મજાક કરી દંડા અને ચપ્પુ વડે હુમલો કરતાં તેને અને તેની પત્નીને ઇજા થઇ હોવાની વળતી ફરિયાદ નોંધાવી છે.