વડોદરામાં દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છતા પોલીસે છોડી દીધો
આરોપી નિલેશ કહાર બુધવારે જાતે કોર્ટમાં સરન્ડર કરતા રાવપુરા પોલીસ દોડતી થઇ, કોર્ટે આરોપીનો કબજો પોલીસને સોંપ્યો
વડોદરા : રાવપુરા પોલી સ્ટેશનમાં દારૃબંધીના કેસમાં દોઢ વર્ષથી ભાગતો ફરતો આરોપી જે.પી.રોડ પોલીસના હાથમાં આવ્યો હોવા છતાં પોલીસે ગંભીર બેદરકારી દાખવીને આરોપીને છોડી દીધો હતો. આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે આરોપી આજે જાતે કોર્ટમાં હાજર થયો. આ બાબતની જાણ થતા જ રાવપુરા પોલીસ દોડતી થઇ હતી અને કોર્ટમાંથી આરોપીનો કબજો લીધો હતો.
મામલો એવો છે કે તા.૧૫ માર્ચ ૨૦૨૨ના રોજ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ સામે દારૃબંધીનો કેસ નોંધાયો હતો. જે પૈકી બે આરોપી ઝડપાઇ ગયા હતા જ્યારે ત્રીજો આરોપી નિલેશ બોલેશ્વર કહાર ફરાર થઇ ગયો હતો. દોઢ વર્ષથી ફરાર નિલેશે કહારે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માગ્યા હતા પરંતુ તે રિજેક્ટ થયા હતા. જામીન રિજેક્ટ થયા બાદ તા.૨૯ નવેમ્બર ૨૦૨૩ના રોજ નિલેશ કહાર જે.પી.રોડ પોલીસ સ્ટેશનથી એક કિ.મી. દૂર ગુલાબ વાટીકા પાસેથી પીધેલી હાલતમાં પોલીસના હાથ ઝડપાઇ ગયો હતો. પોલીસ સ્ટેશનમાંથી જામીનપાત્ર ગુનો હોવાથી નિલેશ કહારની હિસ્ટ્રી (ગુનાના ઇતિહાસ)ની તપાસ કર્યા વગર જ જે.પી.પોલીસે નિલેશને તુરંત જ જામીન ઉપર મુક્ત કરી દીધો હતો. જો જે.પી.પોલીસે ગંભીરતા દાખવીને નિલેશની હિસ્ટ્રી તપાસી હોત તો રાવપુરા પોલીસ સ્ટેશનનો દોઢ વર્ષથી ભાગતો આરોપી કે જેમના આગોતરા પણ નામંજૂર થયા હતા તે ઝડપાઇ ગયો હોત.
જો કે આ દરમિયાન નિલેશ કહાર આજે જાતે જ કોર્ટમાં આવીને શરણાગતિ સ્વિકારી હતી. જેની જાણ થતાં જ રાવપુરા પોલીસ પણ કોર્ટમાં દોડી આવી હતી. કોર્ટે આ મામલામાં શરણાગતિ સ્વિકારવાના બદલે રાવપુરા પોલીસને ઊચીત કાર્યવાહી કરવાની સૂચના આપતા રાવપુરા પોલીસે નિલેશ કહારની ધરપકડ કરી હતી.