વેપારી સાથે ૨૫.૫૦ લાખની છેતરપિંડી કરનાર આરોપી પોલીસની નજર ચૂકવીને ફરાર
લખનૌ જેલમાંથી યુ.પી.ની પોલીસ જાપ્તામાં આરોપીને વડોદરા લાવી હતી : નાસ્તો કરવા લઇ ગયા અને આરોપી ભાગી ગયો
વડોદરા,સસ્તામાં કાર અપાવવાના બહાને વાઘોડિયારોડના સ્ટેશનરીના વેપારી પાસેથી ૨૫.૫૦ લાખ પડાવી લેવાના કેસના આરોપીને પોલીસ નાસ્તો કરવા લઇ ગઇ હતી. જ્યાંથી તે પોલીસની નજર ચૂકવીને ફરાર થઇ ગયો હતો. જ ેઅંગે કુંભારવાડા પોલીસેગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના વેપારી સાથે ભેજાબાજ ઇલેક્ટ્રોનિક્સના વેપારી,તેની પત્ની અને સસરા સહિત ત્રણ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં આરોપી વિવેક અરવિંદભાઇ દવે (રહે.દર્શનમ સોસાયટી, સાવલી રોડ, મૂળ રહે.મુંબઇ પણ પકડાયો હતો. જેનો કેસ વડોદરાની કોર્ટમાં પેન્ડિંગ છે. આરોપી યુ.પી.ના લખનૌની જેલમાં અન્ય ગુનામાં હતો. વડોદરાના છેતરપિંડીના ગુનામાં જામીન મંજૂર થયા હતા. તેના ઓર્ડરની નકલ લેવાની હોવાથી લખનૌ પોલીસ આરોપીને વડોદરા લઇને આવી હતી. આ ઉપરાંત ભાવનગરના મહુવાની કોર્ટમાં પણ આરોપી સામે ચેક રિટર્નનો કેસ ચાલતો હતો. તેની મુદ્દત ૨૫ મી તારીખ હતી. તેઓ આરોપીને લઇ તા. ૨૪ મી એ વડોદરા આવી સયાજીગંજ વિસ્તારને એપેક્સ હોટલમાં રોકાયા હતા. બીજે દિવસે તા. ૨૫ મી એ ભાવનગરની કોર્ટનું કામ પતાવીને તેઓ ૨ાતે પરત વડોદરા આવ્યા હતા. તા.૨૬ મી એ વડોદરાની કોર્ટનું કામ પતાવીને રાતે હોટલ પર રોકાયા હતા.
બીજે દિવસે ૨૭ મી તારીખે સવારે પોલીસ જાપ્તાના માણસો જાગ્યા ત્યારે જાપ્તાના બે જવાનો અનિલ કુમાર યાદવ મુકેશકુમાર મૌર્ય અને કેદી વિવેક અરવિંદભાઇ હાજર નહતા. પી.એસ.આઇ.એ કોન્સ્ટેબલ મુકેશકુમારને ફોન કરીને પૂછતા તેણે જણાવ્યું હતું કે, કેદીને ડાયાબિટીસની બીમારી હોઇ ભૂખ લાગી હતી. જેથી, તેને લઇને કારેલીબાગ પાણીની ટાંકી પાસે નાસ્તો કરવા લઇ આવ્યા છે. થોડા સમય પછી અનિલકુમારે ફોન કરીને જણાવ્યું કે, અમે આરોપી સાથે બરોડિયન નાસ્તા હાઉસમાં નાસ્તો કરતા હતા ત્યારે આરોપી અમારી નજર ચૂકવીને મોપેડ લઇને ભાગી છૂટયો હતો. જેને પકડવા અમે દોડયા હતા. પરંતુ, તે પકડાયો નહતો. ત્યારબાદ પી.એસ.આઇ. તથા જાપ્તાના માણસોએ આજુબાજુના વિસ્તાર તેમજ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર તપાસ કરી હતી.પરંતુ, આરોપી મળી આવ્યો નહતો.