બે વર્ષ પહેલા થયેલી હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ
નજીવી બાબતે થયેલી હત્યાના કારણે મરનારનો પરિવાર રઝળી પડયો
વડોદરા,ડભોઇ તાલુકાના અકોટાદર વસાહતમાં બે વર્ષ પહેલા થયેલી હત્યાના કેસની ટ્રાયલ ડભોઇ કોર્ટમાં ચાલી જતા આરોપીને કસુરવાર ઠેરવીને આજીવન કેદની સજા કરવામાં આવી છે.
ડભોઇ તાલુકાના અકોટાદર વસાહતમાં રહેતા વિનોદ નરસિંહભાઇ તડવી સાથે સાંગરના ઘાસ બાબતે ઉમેદભાઇ મથુરભાઇ તડવીને બોલાચાલી ઝઘડો થયો હતો. આરોપી ઉમેદભાઇ તડવીએ લાકડીના ફટકા વિનોદભાઇ તડવીને માથામાં મારતા તેનું મોત નિપજ્યું હતું. જે અંગે ડભોઇ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો. જે કેસ ડભોઇ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. સરકાર તરફે વકીલ એચ.બી.ચૌહાણે રજૂઆતો કરી હતી કે, આરોપીએ સામાન્ય બાબતે લાકડી વડે હુમલો કરી મૃત્યુ નિપજાવ્યું હતું. મરણ જનાર એક માત્ર પિરવારનું ગુજરાન ચલાવનાર વ્યક્તિ હતા. તેમના મૃત્યુથી પરિવાર રઝળી પડયો છે. જેના કારણે આરોપીને સખત સજા કરવી જોઇએ. બંને પક્ષની રજૂઆતો તેમજ મેડિકલ પુરાવાને ધ્યાને રાખી એડિશનલ સેશન્સ જજ એચ.જી. વાઘેલાએ આરોપીને કસુરવાર ઠેરવીને આજીવન કેદની સજા અને પાંચ હજારના દંડની સજા કરી છે.