નજીવી તકરારમાં યુવાનની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ
માણસામાં દોઢ વર્ષ અગાઉ થયેલી
ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજા અને ૨૦ હજારનો દંડ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના માણસમાં દોઢ વર્ષ અગાઉ નજીવી બાબતમાં તકરાર દરમિયાન માથામાં પાઇપ મારીને યુવાનની હત્યા કરવામાં આવી હતી. જે સંદર્ભે ગાંધીનગર ડીસ્ટ્રીક કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે એક આરોપીને આજીવન કેદની સજા અને એકને નિર્દોષ છોડી મૂક્યો હતો.
આ કેસની મળતી વિગતો પ્રમાણે માણસાના ચારવડ પાસે ગીતાબેન
ગાંડાભાઈ દાતણીયા તેમની દીકરી સવિતાબેન અને જમાઈ સદાભાઈ ગલબાભાઈ દંતાણી સાથે રહેતા
હતા. ગત તા. ૧ માર્ચ ૨૦૨૩ના રોજ તેમના ઘર આગળ મહોલ્લાના બે સગીરો બકરીઓ લઇને
આવ્યાં હતાં અને પાણીની ટાકી તથા ડોલ ભરેલ હતી તેમાં બકરીઓ પાણી પીવા લાગતા જમાઈ
સદાભાઈએ બકરા દૂર કરવાનું કહ્યું હતું. જે બાબતે માથાકૂટ થયા પછી બંને સગીરો સાથે
રણજીતભાઈ ગોવિદભાઈ દંતાણી તથા બળદેવભાઈ ગોવિંદભાઈ દંતાણી લાકડી - લોખંડની પાઈપો
લઇને આવ્યા હતા અને એકદમ ઉશ્કેરાઈ જઈ રણજીતભાઈએ સદાભાઈને માથામાં પાઈપ મારી હતી
બળદેવભાઇ સહિતનાએ લાકડી વડે માર માર્યો હતો. બાદમાં ચારેય જણા ધમકીઓ આપીને નાસી
ગયા હતા. બાદમાં ગંભીર હાલતમાં સદાભાઈને માણસા સિવિલ લઈ જતા ફરજ પરના તબીબે તેમને
મૃત જાહેર કર્યા હતા. આ અંગે ગીતાબેનની
ફરીયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ
કરી હતી. જે કેસ ગાંધીનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એચ. આઇ. ભટ્ટ
ની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલે સાક્ષીઓની કોર્ટમાં જુબાની લીધી હતી અને મહત્વના
પુરાવા રજુ કરી આરોપીઓને કડક સજા અપાવવા માંગણી કરતા કોર્ટે આરોપી રણજીતભાઈ
ગોવિંદભાઈ દંતાણીને આજીવન કેદ એટલે કે છેલ્લા શ્વાસ સુધીની સજા અને ૨૦ હજાર
રૃપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યારે બળદેવભાઈને નિર્દોષ છોડી મૂક્યા હતા.