વડોદરાના દંતેશ્વરમાં વિદેશી દારૂ વેચતો આરોપી ઝડપાયો : 77 બોટલ કબજે
- નવાપુરા આશાપુરી કોમ્પ્લેક્સ નીચે બેસી દારૂ વેચતો આરોપી ઝડપાયો
વડોદરા,તા.19 ફેબ્રુઆરી 2024,સોમવાર
વડોદરાના દંતેશ્વર તથા નવાપુરામાં વિદેશી દારૂનો ધંધો કરતા બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂની 81 બોટલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે દંતેશ્વર હરિઓમ નગરમાં રહેતો દુર્ગેશ દીપકભાઈ દેશમુખ પોતાના ઘરની બહાર ઈલેક્ટ્રીક બાઈકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા દુર્ગેશ દેશમુખ રહેવાસી હરિ ઓમ નગર મળી આવ્યો હતો. તેની ઇલેક્ટ્રીક બાઈકમાં તપાસ કરતા વિદેશી દારૂની કુલ 77 બોટલ 14,900ની મળી આવી હતી. દારૂ ક્યાંથી લાવ્યો તે અંગે પૂછતા આરોપીએ જણાવ્યું હતું કે સોમા તળાવ પાસેથી અર્જુન રામજી રાઠવા પાસેથી લાવ્યો છું. જેથી પોલીસે અર્જુનને વોન્ટેડ જાહેર કર્યો છે.
નવાપુરા આશાપુરી કોમ્પ્લેક્સ નીચે બેસીને એક શખ્સ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા નવાપુરા પોલીસ ઉપરોક્ત સ્થળે પહોંચી ગઈ હતી. સ્થળ પરથી આરોપી હિતેશ કાળુ નરેન્દ્રભાઈ કનોજીયા રહેવાસી આશાપુરી કોમ્પ્લેક્સ નવાપુરા મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી વિદેશી દારૂની ચાર બોટલ કબજે કરી છે.
અન્ય એક બનાવમાં વારસિયા પોલીસે આરોપી રવિ ઉર્ફે મજનુ વ્રજેશકુમાર પરીખ રહેવાસી વલ્લભવિહાર ફ્લેટ પરિવાર સ્કૂલની સામે આજવા રોડને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી પાડ્યો હતો.