વન્ય પ્રાણીના સોદાના આંતરરાષ્ટ્રીય કૌભાંડના નેટવર્ક અને વીડિયોની તપાસઃસૂત્રધાર ફરાર

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
વન્ય પ્રાણીના સોદાના આંતરરાષ્ટ્રીય કૌભાંડના નેટવર્ક અને વીડિયોની તપાસઃસૂત્રધાર ફરાર 1 - image

વડોદરાઃ વન્ય પ્રાણીના સોદા કરવાના મનાતા આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં પકડાયેલા બે આરોપીને ફોરેસ્ટ વિભાગે કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ  મેળવ્યા છે.ફોરેસ્ટ વિભાગે આ ગેંગના નેટવર્ક અને સાગરીતોની વિગતો મેળવવા પૂછપરછ હાથ ધરી છે.

ભરૃચ જિલ્લાના ઝઘડીયાના પાણેથા ગામેથી દીપડાના બચ્ચાને ખેતરમાંથી લાવ્યા બાદ તેનો સોદો કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાની વિગતોને કેન્દ્ર સરકારના વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો અને વડોદરાની પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું.

સ્થાનિક ફોરેસ્ટ ઓફિસરોની મદદ લીધા બાદ ટીમે રેકી કરી હતી અને દીપડાના બચ્ચા સાથે પાણેથાના ગૌતમ સૂર્યકાન્ત પાદરીયા તેમજ તેની સાથે બચ્ચું લેવા માટે બાઇક પર ખેતરમાં ગયેલા સાગરીત હરેશ ઉર્ફે જલો અરવિંદ પાટણવાડીયાને ઝડપી પાડી બંનેની ધરપકડ કરી હતી.

ઝઘડીયા વનવિભાગના અધિકારી દ્વારા આજે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.ફોરેસ્ટ વિભાગ તરફે પકડાયેલા આરોપીઓ પાસે શંકાસ્પદ વીડિયો મળ્યા હોવાથી તેની તપાસ માટે તેમજ સૂત્રધાર ઇરફાનની તપાસ કરવા માટે રિમાન્ડ જરૃરી હોવાની દલીલ કરવામાં આવી હતી.જેથી ઝઘડિયા કોર્ટ દ્વારા બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખવામાં આવ્યા હતા. 

હરેશે દીપડાનું બચ્ચું જોયું અને ગૌતમને જાણ કરી,બકરીનું દૂધ પીવડાવતા હતા

ઝઘડીયાના પાણેથા ખાતે દીપડાનું બચ્ચું ઘરમાં રાખી ઉછેર કરતા બંને આરોપીની પૂછપરછ દરમિયાન એવી માહિતી બહાર આવી હતી કે,જુલાઇ મહિનામાં હરેશે આ બચ્ચું ખેતરમાં જોયું હતું અને તેણે ગૌતમને જાણ કરી હતી.ત્યારબાદ બંને જણા બાઇક પર શેરડીના ખેતરમાં ગયા હતા અને બચ્ચું લઇ આવ્યા હતા.ગૌતમે તેના બીજા ઘરમાં  બચ્ચું રાખ્યું હતું અને તેઓ શરૃઆતમાં બકરીનું દૂધ પીવડાવીને તેનો ઉછેર કર્યો હતો.

ગૌતમે દીપડાના બચ્ચાનો વીડિયો મૂકી ઇરફાનને કિંમત પૂછી હતી

વન્ય પ્રાણીઓનો સોદો કરવાના કહેવાતા કૌભાંડમાં મોબાઇલમાં વોટ્સએપ ગુ્રપની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ જણાય છે.

બિનસત્તાવાર રીતે પ્રાપ્ત વિગતો મુજબ, ગૌતમે દીપડાના બચ્ચાનો એક વીડિયો મુકી ઇરફાનને તેની કિંમત વિશે વાતચીત કરી હતી.આ શખ્સોનું એક વોટ્સએપ ગુ્રપ પણ હોવાની વિગતો તપાસવામાં આવી રહી છે.

તો બીજીતરફ ફોરેસ્ટ વિભાગને માહિતી મળતાં કોલકોત્તા ખાતે દીપડાના બચ્ચાને લઇને આરોપીને બોલાવ્યા હતા.પરંતુ તેઓ બચ્ચું લઇને ગયા નહતા.ત્યારબાદ અજમેરમાં પણ સોદો થઇ શક્યો નહતો.આખરે ફોરેસ્ટ વિભાગ લોકેશનને આધારે પાણેથા પહોંચ્યા હતા.


Google NewsGoogle News