માસૂમ વિદ્યાર્થિનીની કારમાં હત્યા કરનાર આચાર્ય જેલમાં ધકેલાયો
બે વખત પોલીસે રિમાન્ડ પર લીધા બાદ કોર્ટમાં રજૂ કરતાં જેલમાં મોકલવાનો હુકમ
લીમખેડા તા.૩૦ દાહોદ જિલ્લાના સિંંગવડ તાલુકામાં તોરણી ગામની પ્રાથમિક શાળાની ધોરણ ૧ની માસૂમ વિદ્યાર્થિનીના હત્યારા આચાર્યના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે આજે નરાધમ આચાર્યને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને દેવગઢબારીયાની સબ જેલમાં મોકલી દેવાયો હતો.
તોરણી ગામની પ્રાથમિક શાળાના ૫૬ વર્ષના આચાર્ય ગોવિંદ છગનભાઈ નટ તા.૧૯મીએ તેની કારમાં શાળાએ જતો હતો તે સમયે તેણે માતા સાથે રસ્તા પર ઉભેલી પોતાની જ શાળાની ધોરણ ૧ની વિદ્યાર્થિનીને કારમાં બેસાડી હતી. ત્યારબાદ આચાર્યએ એકાંતવાળા રસ્તામાં વિદ્યાર્થિની પર બળાત્કારનો પ્રયાસ કર્યા બાદ વિદ્યાર્થિનીનુ મોઢૂં દબાવી દઈ શ્વાસ રૃંધીને હત્યા કરી હતી અને લાશને પોતાની કારમાં મૂકી રાખી શાળા છૂટયા બાદ બાળકીની લાશને શાળાના કમ્પાઉન્ડમા મૂકી દીધી હતી.
આ સમગ્ર બનાવની રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગોવિંદ છગન નટની ધરપકડ કરી ગત સોમવારે કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ પર લીધો હતો પરંતુ આરોપી ગોવિંદ છગન નટ રિમાન્ડ દરમિયાન તપાસમાં પૂરતો સાથ સહકાર આપતો ન હોવાથી અને વારંવાર પોતાના નિવેદનો બદલતો હોવાથી શુક્રવારે સાંજે લીમખેડા કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપી આચાર્યના સોમવાર બપોરે ૧ વાગ્યા સુધીના એટલે કે સાડા ત્રણ દિવસના વધુ રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજે બપોરે સાડા ત્રણ દિવસના રિમાન્ડ પુરા થતા તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે હત્યારા આચાર્યને દેવગઢ બારીયાની સબ જેલમા મોકલી દીધો હતો.