૩૨ લાખના દારૃના ગુનામાં આરોપીની પાસા હેઠળ અટકાયત
આરોપી સામે ચાર ગુના નોંધાયા છે : અન્ય એક આરોપીને પણ પાસામાં મોકલતી પોલીસ
વડોદરા.વિદેશી દારૃનો ધંધો કરતા બે આરોપીઓની પીસીબી પોલીસે પાસા હેઠળ અટકાયત કરી સુરત અને અમદાવાદ જેલમાં મોકલી આપ્યા છે.
ગત જાન્યુઆરી મહિનામાં જવાહર નગર પોલીસ સ્ટેશનની હદમાંથી પોલીસે ૩૨.૧૬ લાખનો વિદેશી દારૃનો જથ્થો કબજે લીધો હતો. પોલીસે સ્થળ પરથી ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય છ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ ગુનામાં પકડાયેલા આરોપી ભરત ઉર્ફે પિન્ટુ ભાસ્કરભાઇ કુલકર્ણી (રહે. આવાસ યોજનાના મકાનમાં, કિશનવાડી)ની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી સામે છોટાઉદેપુર, વાઘોડિયા, હરણી અને રાજગઢ પોલીસ સ્ટેશનમાં દારૃના ગુનાઓ નોંધાયા છે.
જ્યારે ૯ લાખના વિદેશી દારૃના ગુનામાં પકડાયેલા આરોપી ભગીરથ ઉર્ફે ભાગીરથ ઉર્ફે ભરત હીરારામ ગોદારા (રહે.સૂર્યા પેલેસ સોસાયટી, અંકલેશ્વર જી.આઇ.ડી.સી., અંકલેશ્વર)ની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.