તરસાલી લૂંટ વીથ મર્ડરના કેસનો આરોપી જેલ ભેગો
પાડોશમાં રહેતી વૃદ્ધા પર સર્જીકલ બ્લેડથી હુમલો કરી દાગીના લૂંટી લીધા હતા
વડોદરા,તરસાલીની ભાઇલાલ પાર્ક સોસાયટીમાં થયેલા લૂંટ વીથ મર્ડરના કેસમાં પકડાયેલા આરોપી વિશાલ સરોજની પોલીસે ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે રિમાન્ડ પૂરા થતા પોલીસે તેને જેલમાં મોકલી આપ્યો છે.
સુશેન તરસાલી રોડ પર ભાઇલાલ પાર્ક સોસાયટીમાં ૭૩ વર્ષના હરવિંદરસિંહ કમ્બો અને તેમના પત્ની સુખજીતકૌર (ઉં.વ.૭૧) એકલા રહે છે. ચાર દિવસ પહેલા રાતે તેઓ જમી પરવારીને સૂઇ ગયા હતા. તેમના પાડોશમાં રહેતા વિશાલ દિપકભાઇ સરોજે તેમના ઘરની લાઇટો બંધ કરી દેતા ૭૦ વર્ષના સુખજીતકૌર ઉઠીને ઘરની બહાર આવતા વિશાલે તેમના ગળા પર સર્જીકલ બ્લેડથી ઇજા પહોંચાડી હત્યા કરી સોનાના દાગીના લૂંટી લીધા હતા. મકરપુરા પોલીસે આરોપી વિશાલ દિપકભાઇ સરોજ, ઉ.વ.૧૯, ( રહે. ભાઇલાલ પાર્ક સોસાયટી, ઉનડદીપ કોમ્પલેક્સની સામે, તરસાલી)ને મકરપુરા પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે આરોપીના રિમાન્ડ લઇ રિકન્સટ્રક્શન કરાવ્યું હતું. આજે તેના રિમાન્ડ પૂરા થતા તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપીને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આ કેસમાં અગાઉ વિશાલના નામે જે ફોટો પ્રસિદ્ધ થયો હતો તે નવાયાર્ડના વિશાલ શ્રીનાથ સરોજને આ કેસ સાથે કંઇ સંબંધ નથી. તેની ગુનામાં કોઇ સંડોવણી નથી. તેનો ફોટો શરતચૂકથી છપાયો હતો. લૂંટ વીથ મર્ડરના ગુનામાં પકડાયેલા આરોપી વિશાલ દિપકભાઇ સરોજ તરસાલી વિસ્તારમાં રહે છે.