મોબ લિન્ચીંગની ઘટનામાં રિમાન્ડ પૂરા થતા આરોપીઓ જેલમાં
અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસની દોડધામ
વડોદરા,ચોરીની બાઇક લઇને ચોરીના ઇરાદે નીકળેલા ત્રણ યુવકોને વારસિયા ઝૂલેલાલ મંદિર પાસે ટોળાએ ઘેરીને હુમલો કરતા એકનું મોત થયું હતું. આ ગુનામાં પકડાયેલા ચાર આરોપીઓના રિમાન્ડ પૂરા થતા તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
આજવા રોડ એકતા નગરમાં રહેતો ઇકરામા ઉર્ફે અલી ઇમરાનભાઇ ટીલીયાવાલા (ઉં.વ.૨૦), શેહબાઝખાન સલીમખાન પઠાણ (ઉં.વ.૩૦) તથા સાહિલ સાજીદભાઇ શેખ (રહે. પ્રતાપનગર) શુક્રવારે રાતે દોઢ વાગ્યે ચોરીની બાઇક લઇને ચોરી કરવાના ઇરાદે નીકળ્યા હતા. વારસિયા ઝૂલેલાલ મંદિર પાસે અંદાજે ૩૦૦ ના ટોળાએ હુમલો કરતા શેહબાઝખાનનું મોત થયું હતું. જ્યારે ઇકરામાને ગંભીર ઇજા થઇ હતી. તેની ફરિયાદના આધારે સિટિ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં પોલીસે (૧) રવિ કાંતિભાઇ (૨) જીતેન્દ્ર પાંડુરંગ પવાર (૩) સુનિલ અમરલાલ ટીંડવાણી તથા (૪) રિફાકત હનિફભાઇ શેખ ને ઝડપી પાડી બે દિવસના રિમાન્ડ લીધા હતા.આજે તેઓના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં હાજર કરવામાં આવતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.