સાવલી તાલુકાના ચકચારભર્યા બોગસ ખેડૂત બનાવવાના કૌભાંડમાં રિમાન્ડ પૂરા થતા આરોપીઓ જેલમાં
સામંતપુરા અને મુવાલ ગામની જમીનોમાં માલિકોના ખોટા મરણ દાખલા રજૂ થયા હતા
સાવલી.સાવલી તાલુકાની જમીનોમાં બોગસ વારસાઇ કરીને ખેડૂત બનાવવાના કૌભાંડમાં પકડાયેલા ત્રણ આરોપીઓના રિમાન્ડ પૂરા થતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સાવલી પોલીસ સ્ટેશનમાં સામંતપુરા અને મુવાલ ગામની ખેતીની જમીનોમાં માલિકોના બોગસ મરણ દાખલા રજૂ કરીને ગ્રામ પંચાયત તેમજ મહેસૂલી કચેરીઓમાં તેને રજૂ કરી સોગંદનામાના આધારે વારસાઇ કરીને બોગસ ખેડૂત બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડની સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ડીવાયએસપી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન પોલીસે આ કેસમાં ગણપતપુરા ગામમાં રહેતા બકુલાબેન પુંજાભાઇ સોલંકી તે અરવિંદભાઇ ઠાકોરની પત્ની તેમજ સાવલીમાં રહેતા પંકજ દિલીપભાઇ સરવૈયા અને સુધીરકુમાર રમણલાલ ભાવસારની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.આજે રિમાન્ડ પૂરા થતા ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ગયા છે.