મોહંમદ નાજીમની હત્યા કરવા માટે આરોપી ગુલઝારને સોપારી અપાઇ હતી
તું નાજીમની હત્યા કરીશ તો તને રિક્ષા આપીશ અને તારૃં બધું દેવું હું ચૂક્તે કરી દઇશ
વડોદરા,કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતા અને ફ્રૂટની ફેરી કરતા યુવાનની હત્યાની પાછળ ૩૦ હજાર રૃપિયાની તકરાર નહીં પરંતુ, હત્યા કરવા માટે આરોપીને સોપારી આપવામાં આવી હોવાની વિગતો પોલીસની તપાસમાં બહાર આવી છે. પોલીસે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતા મોહંમદ નાજીમ છોટે હુસેન પઠાણ પગરિક્ષામાં ફ્રૂટનો વેપાર કરે છે. ગત તા. ૭ મી એ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે તે ઘરેથી ફ્રૂટ લેવા નીકળ્યો ત્યારે નજીકમાં જ રહેતા ગુલઝાર ઉર્ફે ટુંડો અકબરઅલી પઠાણે ,ઉ.વ.૨૭ ( રહે. કાસમઆલા કબ્રસ્તાન, શ્રીનાથ પેટ્રોલપંપની સામે, કારેલીબાગ) ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી તેની હત્યા કરી હતી. ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ, કારેલીબાગ પોલીસના સ્ટાફ તથા ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપીને અમદાવાથી ઝડપી પાડયો હતો. પોલીસની પૂછપરછમાં શરૃઆતમાં તેણે જણાવ્યું હતું કે, મેં નાજીમ પાસે ૩૦ હજાર ઉછીના માંગ્યા હતા. પરંતુ,નાજીમે રૃપિયા આપ્યા નહતા અને મને લાફો મારી દીધો હતો. જેના કારણે મેં તેની હત્યા કરી છે. પોલીસને આ કારણ વ્યાજબી લાગતું નહીં હોવાથી રિમાન્ડ મેળવી આરોપીની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડયો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, મારા મિત્રે મને ઓફર આપી હતી કે, તું નાજીમની હત્યા કરીશ તો હંી તને રિક્ષા લઇ આપીશ અને તારૃં બધું દેવું ચૂક્તે કરી દઇશ. તેની લાલચમાં આવીને હું નાજીમની હત્યા કરવાનો મોકો મળતા તેની હત્યા કરી છે.પોલીસની ટીમે સોપારી આપનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.