ઓનલાઇન ઠગાઇની ઇન્ટરનેશનલ ગેંગ સાથે સંકળાયેલો દુબઇનો સાગરીત અમદાવાદ એરપોર્ટ પર પકડાયો
મૂળ બોરસદના વતની મહંમદ જુનેદ ની ચાઇનીઝ એજન્ટ સાથે સાંઠગાંઠ
વડોદરાઃ ઓનલાઇન ઠગાઇ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનું પ્યાદુ બનેલા મૂળ બોરસદના વતની અને દુબઇમાં રહેતા ભેજાબાજને વડોદરા સાયબર સેલે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડયો છે.પકડાયેલા યુવકે ચાઇનીઝ એજન્ટને બેન્ક એકાઉન્ટની સવલત કરી આપી હોવાની વિગતો પોલીસને પ્રાપ્ત થઇ છે.
વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારની મહિલાને વર્ષ-૨૦૨૨માં ઘેરબેઠા કમાવાની ઓફર કરી ઓનલાઇન ટાસ્કના નામે ઠગોએ ફસાવી રૃ.૧.૬૯ લાખ ટ્રાન્સફર કરી લીધા હતા.જે ગુનામાં વડોદરા સાયબર સેલ દ્વારા જે એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર થયા હતા તે તમામની ડીટેલ મેળવીને જુદાજુદા ૪ રાજ્યાનો ૧૧ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.જેમાં બોરસદના મહંમદ હનિફ અને યુસુફખાનનો પણ સમાવેશ થાય છે.
ઉપરોક્ત બનાવમાં ઓનલાઇન ઠગો અને ભોગ બનતા ગ્રાહકો વચ્ચેની કડી શોધતી પોલીસને દુબઇના મહંમદ જુનેદ એહમદમીયા મલેક(મૂળ રહે.બોરસદ,આણંદ)નું પણ નામ મળતાં તેની સામે લુક આઉટ નોટિસ કાઢવામાં આવી હતી.મહંમદ જુનેદ દુબઇથી અમદાવાદ આવતાં જ એરપોર્ટ પર તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.પીઆઇ બીરેન પટેલે કહ્યું હતું કે,આરોપીએ ચાઇનીઝ એજન્ટ(ટ્રાન્સલેટર) ને બેન્ક એકાઉન્ટ આપી આર્થિક લાભ મેળવ્યો હોવાની વિગતો ખૂલી છે.જેથી તે દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.
જુનેદ દુબઇથી ભારતના મિત્રો મારફતે બેન્ક એકાઉન્ટ અને સિમકાર્ડ મેળવતો હતો
દુબઇમાં રહેતો મહંમદ જુનેદ ભારતના મિત્રો મારફતે ઠગ ટોળકી માટે બેન્ક એકાઉન્ટ તેમજ સિમકાર્ડની સવલત કરી આપતો હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગને ભારતના બેન્ક ખાતા તેમજ સિમકાર્ડની જરૃર પડતી હોય છે અને તેના માટે તેઓ પ્યાદા શોધતા હોય છે.દુબઇમાં રહેતો મૂળ બોરસદનો મહંમદ જુનેદ પણ એક પ્યાદુ હતો.
જુનેદ ભારતના મિત્રો પાસે બેન્ક એકાઉન્ટ તેમજ સિમકાર્ડની વ્યવસ્થા કરાવતો હતો અને તેના બદલામાં તેમને કમિશન ચૂકવવામાં આવતું હતું.જેથી જુનેદે કેટલા બેન્ક એકાઉન્ટ અને સિમકાર્ડ ઠગોને પહોંચાડયા છે તે મુદ્દે પોલીસ વિગતો મેળવનાર છે.
અગાઉ પણ દુબઇના બે એજન્ટોને વડોદરા સાયબર સેલે પકડયા હતા
વડોદરા સાયબર સેલ દ્વારા આંતરાષ્ટ્રીય ઠગ ટોળકી સાથે સંકળાયેલા આરોપીઓને પકડવા માટે લુક આઉટ સરક્યુલર ઇસ્યુ કરવામાં આવે છે.જેને પગલે અગાઉ પણ ઓનલાઇન ઠગાઇનું નેટવર્ક ચલાવતા બે ઠગો ભારત આવતાં જ પોલીસે ઝડપી પાડયા હતા.જ્યારે,અમદાવાદ એરપોર્ટ પરથી ત્રીજો આરોપી પણ પકડાયો છે.
મહિલાના રૃપિયા જે ખાતામાં ગયા તે બેન્ક એકાઉન્ટ સામે ૨૩ ફરિયાદ
વડોદરાની મહિલાના જે બેન્ક એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર થયા હતા તે પૈકીના એક બેન્ક એકાઉન્ટમાં જુદાજુદા ૪ રાજ્યોમાંથી ફ્રોડની કુલ ૨૩ ફરિયાદો સાયબર ક્રાઇમને મળી છે.જેથી ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગ દ્વારા એક જ એકાઉન્ટનો અનેક રાજ્યોમાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ખૂલ્યું છે.