આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનારને ૨૦ વર્ષની કેદ
બાળકીની આર્થિક સ્થિતિ જોતા રૃા.૪ લાખ વળતર ચુકવવા કોર્ટની ભલામણ
નસવાડી તા.૩૦ છોટાઉદેપુર જિલ્લામાં ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની સખત કેદની સજા કોર્ટે ફટકારી હતી તેમજ ભોગ બનનારને રૃા.૪ લાખનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે.
પાવીજેતપુર તાલુકાના ખાંડીયા અમાદર ગામના સંજય સોનકા રાઠવાએ ગત તા.૨૯ /૦૩/૨૦૨૧ના રોજ એક ગામની ૮ વર્ષની બાળકીને અવાવરું જગ્યાએ લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. પોતાની સાથે બનેલી ઘટના અંગે બાળકીએ તેની માતાને જણાવતા સગીર બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી સંજય સોનકા રાઠવાને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.
બનાવ અંગેનો કેસ છોટાઉદેપુર સ્પેશિયલ પોકસો કોર્ટના ન્યાયાધીશ સી.કે.મુન્સીની કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ દ્વારા કરાયેલ દલીલો ૧૬ જેટલા દસ્તાવેજી પુરાવાઓ અને ૧૩ સાક્ષીઓની જુબાની આધારે સમાજમાં જાતીય બાળ ગુનાહિત કૃત્ય આચનાર લોકોમાં કાયદાનો ડર બેસાડવા સમાજમાં દાખલા રૃપ હુકમ કરતા આરોપી સંજય સોનકા રાઠવાને દુષ્કર્મના ગુનામાં ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
કુલ ફટાકારેલી બે સજાઓ એકી સાથે ભોગવવાનો હુકમ કર્યો હતો. ભોગ બનનાર સગીર બાળકીની આથક સ્થિતિ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભોગ બનનારને વળતર પેટે રૃ.ચાર લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરને ભલામણ કરી છે.