મધ્યપ્રદેશથી વડોદરા આવી શહેરમાં ચોરીઓ કરતો આરોપી ઝડપાયો
ગોત્રી પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાયો હતો : ચાંદીના દાગીના અને મોબાઇલ કબજે
વડોદરા,મધ્યપ્રદેશથી વડોદરા આવી હોટલમાં રોકાઇ શહેરના અલગ - અલગ વિસ્તારમાં રેકી કરી ઘરફોડ ચોરીઓ કરતા પરપ્રાંતિય ચોરને પીસીબી પોલીસે ઝડપી પાડી તેની પાસેથી ૪૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
શહેરમાં ચોરીઓ કરતા અગાઉ પકડાયેલા આરોપીઓની વર્તણૂંક અંગે પીસીબી પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી. તે દરમિયાન પીસીબી પી.આઇ. એસ.ડી. રાતડાને માહિતી મળી હતી કે, અગાઉ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલો આરોપી હાલમાં વડોદરામાં છે. જેથી, પોલીસે તપાસ કરતા આરોપી રેલવે સ્ટેશન વિસ્તારમાં છે. જેથી, પીસીબીના એ.એસ.આઇ. હરિભાઇ અને સ્ટાફે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી આરોપી ઇન્સાવલી સજ્જાદઅલી સૈયદ ( રહે. ઇદગાહ મહોલ્લો, દતીયા, જિ. ગ્વાલિયર, મધ્યપ્રદેશ) મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેની બેગ ચેક કરતા ચોરી કરવામાં વપરાતું ગણેશિયુ તથા ચાંદીની ત્રણ વીંછીઓ અને ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૪૬,૯૮૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપી અગાઉ મહારાષ્ટ્ર અને ગોત્રી પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાયો છે. તેમજ હાલમાં ગોરવા અને વાઘોડિયા રોડ વિસ્તારની ત્રણ સોસાયટીમાં તેણે ચોરીઓ કરી હોવાનું કબૂલ્યું છે.