લોનના હપ્તા ચઢી જતા આરોપીએ વૃદ્ધાનો સોનાનો અછોડો તોડયો
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ જ દિવસમાં આરોપીને શોધી કાઢ્યો
વડોદરા,વાઘોડિયા રોડ કલા દર્શન ચાર રસ્તાથી પરિવાર ચાર રસ્તા તરફ ચાલતા જતા વૃદ્ધાના ગળામાંથી સોનાનો અછોડો તોડીને ભાગી જનાર આરોપીને પાણીગેટ પોલીસે ઝડપી પાડી અછોડો અને ગુનામાં વપરાયેલું મોપેડ કબજે કર્યા છે. લોનના હપ્તા નહીં ભરી શકતા અછોડો તોડયો હોવાની આરોપીએ કબૂલાત કરી હતી.
વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે અમીદર્શન સોસાયટીમાં રહેતા ૬૯ વર્ષના રંજનબેન કિરણબાબુ જોશી ગત તા. ૨૭ મી એ સાંજે પોણા છ વાગ્યે કલા દર્શન ચાર રસ્તા પાસે લારી પરથી શાકભાજી લઈને ચાલતા ઘર તરફ જતા હતા. તે દરમિયાન ટુ-વ્હીલર પર આવેલા આરોપીઓ તેમના ગળમાંથી સોનાની ચેન તોડીને ભાગી ગયા હતા. જ ેઅંગે પાણીગેટ પી.આઇ. એચ.એમ.વ્યાસ તથા મહિલા પી.આઇ. એચ.જે. પટેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગુનાવાળી જગ્યાના મુખ્ય માર્ગ પર ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજ ચેક કરતા થોડે દૂર એક મોપેડ ચાલકની હિલચાલ શકાસ્પદ જણાઇ આવી હતી. પોલીસે મોપેડનો નંબર મેળવી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વાહન માલિકનો નાનો ભાઇ નરેશ વિઠ્ઠલભાઇ તડવી (રહે. સુલતાનપુરા ગામ, પો.કેલનપુર, વડોદરા)ની હિલચાલ શંકાસ્પદ જણાઇ હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, નરેશ છેલ્લા ઘણા સમયથી વિવિધ બેંકો તથા ફાઇનાન્સ કંપનીઓમાંથી લોન લીધી હતી. જેના હપ્તા તે ભરી શકતો નહતો. લોનના હપ્તાની ઉઘારાણીવાળા ઘણીવાર ઘરે આવતા હતા. તેને દેવું થઇ ગયું હતું.
જેથી,પોલીસે નરેશની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેણેગુનાની કબૂલાત કરી હતી. પોલીસે નરેશની ધરપકડ કરી સોનાની ચેન અને મોપેડ મળી કુલ રૃપિયા ૭૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.