વડોદરામાં ક્લાસ ચલાવતો આરોપી ભાસ્કર ચૌધરી બિહારનો વતની
અગાઉ પેલેસ રોડ પર એક કોમ્પલેક્સમાં ક્લાસ ચલાવતો હતો
વડોદરા,સ્ટેક વાઇઝ ટેકનોલોજીના સંચાલક ભાસ્કર ચૌધરી અને તેના પત્ની રિદ્ધિ ચૌધરી પેપર લીકકાંડમાં શંકાના દાયરામાં છે.સંચાલક ઉપરાંત અન્ય ૧૨ લોકોને એટીએસ વહેલી સવારે ચાર વાગ્યે અમદાવાદ લઈને રવાના થઈ હતી.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ,ભાસ્કર ચૌધરી છેલ્લા દશ વર્ષ ઉપરાંતથી વડોદરામાં સ્થાયી થયો છે. અને પ્રમુખરાજ કોમ્પલેક્ષમાં છેલ્લા ચાર વર્ષથી ક્લાસીસ ચલાવતો હતો. આ અગાઉ તે પેલેસ રોડ પર આવેલા એક કોમ્પ્લેક્ષમાં ક્લાસ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. ભાસ્કર ચૌધરી મૂળ બિહીરનો વતની છે .પરંતુ,સોશિયલ મીડિયા પર તેણે પોતે કોલકત્તાનો હોવાનો ઉલ્લેખ કર્યો છે.અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવે છે.
શિક્ષણ વર્તુળમાં ચાલતી ચર્ચા મુજબ ,ભાસ્કર ચૌધરી અગાઉ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્રિન્સિપલ રિસર્ચ એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ લખનઉ ખાતે વર્ષ ૨૦૦૫માં અભ્યાસ કર્યો છે. આ અગાઉ વર્ષ ૧૯૯૩માં તેને વડોદરાની એમએસ યુનિવસટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં મેટલરજી ડિપાર્ટમેન્ટમાં પણ અભ્યાસ કર્યો હતો.
પેપર લીકકાંડના બે શકમંદો સયાજીગંજની હોટલમાં રોકાયા હતા
હોટલમાંથી જ બંનેને પોલીસ પકડી લઇ ગઇ : સીસીટીવી ફૂટેજ કબજે
વડોદરા,પેપર લીકકાંડમાં એ.ટી.એસ.દ્વારા વડોદરા એસ.ઓ.જી.ની ટીમની પણ મદદ લેવામાં આવી હતી.આ અંગે સયાજીગંજ વિસ્તારની હોટલ અપ્સરામાં પણ તપાસ કરવામાં આવી હતી.આ હોટલમાંથી પકડાયેલા પ્રદિપ નાયક અને નરેશ મોહંતીની પણ પેપર લીકકાંડમાં સંડોવણી હોવાની શક્યતા છે.નરેશ અને પ્રદિપ રાતે નવ વાગ્યે હોટલમાં આવ્યા હતા.અને રૃમ નંબર ૪ બુક કરાવ્યો હતો.બંને શકમંદો રાતે ૧૨ વાગ્યા હોટલની બહાર ગયા હતા.અને અડધો કલાક પછી બંને આવ્યા હતા.અને પોલીસ પણ તેઓની પાછળ આવી હતી.આ બંનેને પકડીને પોલીસ લઇ ગઇ હતી.પોલીસની ટીમે હોટલના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા હતા.