૭૮ લાખના વિદેશી દારૃના કેસમાં પકડાયેલા આરોપીઓ રિમાન્ડ પર
પકડાયેલા આરોપીઓ ગોળ ગોળ ફેરવી પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યા છે
વડોદરા,આજવા રોડ સરદાર એસ્ટેટમાં દારૃના કટિંગ સમયે જ એસએમસીની ટીમે દરોડો પાડીને બૂટલેગર સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડી ૭૮ લાખ ઉપરાંતનો વિદેશી દારૃ કબજે કર્યો હતો.પકડાયેલા આરોપીઓ ગોળ ગોળ જવાબ આપતા હોવાથી પોલીસે તેઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે મળેલી માહિતીના આધારે આજવા રોડ સરદાર એસ્ટેટ શ્રી હરિ એસ્ટેટ નજીક ઓપન પ્લોટમાં દારૃન કટિંગ સમયે જ રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી કટિંગ થવાનું છે. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે છૂટાછવાયા ઉભા રહીને વોચ ગોઠવી હતી. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૃની ૩૮,૪૧૨ બોટલ કિંમત રૃપિયા ૭૮,૦૦,૬૦૦, ૧૩ વાહનો કિંમત રૃપિયા ૪૬.૦૫ લાખ, આઠ મોબાઇલ ફોન કિંમત રૃપિયા ૪૦,૫૦૦ મળી કુલ રૃપિયા ૧.૨૪ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સ્થળ પરથી (૧) બૂટલેગર સુનિલ ઉર્ફે અદો પ્રકાશભાઇ કેવલરામાણી ( રહે. રોયલ હાઇટ્સ, ધોબી તળાવ પાસે, વારસિયા) (૨) મુકેશ નારણદાસ માખીજાની ( રહે. મંગલા મારવેલ સોસાયટી, તરસાલી) (૩) ચિરાગ દિલીપભાઇ ઠાકોર( રહે.સયાજી ચોક, કિશનવાડી) (૪) અજય ભીખાભાઇ રાઠોડ વીરભગત ચોક, કિશનવાડી) તથા (૫) સોનુ હરદયાલભાઇ કોળી( રહે. રામદેવ નગર, આજવા રોડ) ને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ લાલુ સિન્ધી, વાહનોના માલિક અને ડ્રાઇવર અને દારૃ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. પકડાયેલા આરોપી સુનિલ ઉર્ફે અદાએ જણાવ્યું હતું કે, દારૃ લાલુ સિન્ધીના કહેવાથી મંગાવ્યો હતો. તેણે ફોન કરીને માહિતી આપી હતી કે, દારૃ ક્યાં ખાલી કરવાનો છે.
પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે, વાહનના માલિકોની તપાસ કરવાની છે. ચંદીગઢથી દારૃ મોકલાવનાર રામસીંગને પકડવાનો છે. સ્થળ પરથી ભાગી ગયેલા આરોપીઓને પકડવાના બાકી છે. દારૃ મંગાવવા માટે પૈસાની લેતી દેતી કઇ રીતે થઇ હતી ? દારૃ અન્ય કોઇ સ્થળે ઉતાર્યો છે કે કેમ ? તેની તપાસ કરવાની છે.