૬૩.૫૦ લાખ પડાવી લઇ ફરાર થઇ ગયેલા ભેજાબાજની ધરપકડ
ફરિયાદીના ભાઇનો આક્ષેપ : ઠગ આરોપીની કરતૂતોના કારણે જ મારી બહેન વિધવા થઇ ગઇ
વડોદરા,શેર બજારમાં રોકાણની લાલચ આપી જી.એસ.એફ.સી.ના સિનિયર મેનેજર પાસેથી ૬૩.૫૦ લાખ રોકાણના બહાને ઠગે મેળવી લીધા હતા. ફરાર થઇ ગયેલા આરોપીની પાણીગેટ પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
હરણી રોડ સિગ્નસ સ્કૂલની પાછળ મધુબન ક્લબ લાઇફ એપાર્ટમેન્ટમાં રહેતા સીમાબેન વિજયભાઈ મિશ્રા હાલમાં બેંગલોરમાં રહે છે. તેમના પતિનું ગયા વર્ષે અવસાન થયું છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારા પતિ વિજય ગજાનંદભાઇ મિશ્રા જી.એસ.એફ.સી. ફર્ટિલાઇઝર છાણી ખાતે સિનિયર મેનેજર તરીકે નોકરી કરતા હતા. અમારા પતિ જીવતા હતા. તે સમયે સમા વિસ્તારમાં ઓફિસ ધરાવતા મયૂરકુમાર સંજયભાઇ પટેલે (રહે. ત્રિવેણી એપાર્ટમેન્ટ, મણીનગર, અમદાવાદ) ઉંચા વળતરની લાલચ આપી ૬૩.૫૦ લાખ પડાવી લીધા હતા.
આ અંગે સીમાબેનના ભાઇ અમરિષ દૂબેએ જણાવ્યું હતું કે, અમે ૨૦૨૨ માં અરજી કરી હતી. પંરતુ, મયૂર પટેલ ગાયબ થઇ ગયો હતો. બે વર્ષ પછી જાણવા મળ્યું કે, આરોપી સંતરામપુરની જેલમાં ચેક રિટર્નના કેસમાં છે. જેથી, એસીપી જી.ડી.પલસાણાની સૂચના મુજબ પી.આઇ. એચ.એમ. વ્યાસે તપાસ શરૃ કરી હતી. આરોપી જેલમાંથી ક્યારે જામીન પર છૂટે છે ? તેની વોચ રાખી હતી. દરમિયાન આરોપી જેલમાંથી બહાર આવતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસની સતત કામગીરીના કારણે બે વર્ષ પછી આરોપી પકડાયો હતો. અમે ગુમાવેલા પૈસા પરત મળે તેવી આશા છે. આરોપીની જાળમાં અન્ય લોકો પણ ફસાયા હોવાની શક્યતાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.