બે ગુનામાં ફરાર મુંબઇના ભેજાબાજ આરોપીએ આગોતરા જામીન માટે અરજી કરી
એક ગુનો ૪૦ લાખના મટિરિયલની ચોરી અને બીજો ગુનો ૧૫ કરોડમાં જમીનનો સોદો ખોટી રીતે કરાવવાનો નોંધાયો હતો
વડોદરા,સયાજીપુરા ગામ ખાતે સંસ્કૃતિ ઇન્ફ્રા પ્રા.લિ.ના નામનું બોગસ એકાઉન્ટ ખોલાવી ૩૯ લાખ પડાવી લેવાના તથા ક ંપનીની જમીનનો બારોબાર ૧૫ કરોડમાં સોદો કરવાના તથા સાઇટ પરથી ૪૦ લાખનો સામાન સગેવગે કરવાના કેસમાં સામેલ મુખ્ય આરોપી દોઢ વર્ષ ઉપરાંતથી પોલીસને મળતો નથી. તેવા સંજોગોમાં આરોપીએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી છે. જે અરજી ઓર્ડર પર છે.
સયાજીપુરા ગામ પાસે આવેલી જમીનના વિવાદમાં અલકાપુરી પલ્સ ગેટવે ટાવરમાં રહેતા અને સંસ્કૃતિમાં સાઇટ મેનેજર તરીકે નોકરી કરતા પ્રિયાંક કુમાર અખિલેશ પાંડેએ બાપોદ પોલીસ સ્ટેશનમાં જુલાઇ - ૨૦૨૨ માં તેમની કંપનીની સયાજીપુરા ગામ ખાતે આવેલી સાઇટ પરથી ૪૦ લાખનો કાટમાળ સગેવગે કરી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ નિલય અનિલભાઇ દેસાઇ સહિત અન્ય સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજી ફરિયાદ તેમણે જાન્યુઆરી - ૨૦૨૩ માં ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યું હતું કે , અમારી કંપનીએ વડોદરા ખાતે ૧૯,૦૪૫ મીટર જમીન પીએસીએલ લિમિટેડની સયાજીપુરા ગામ ખાતે આવેલી તે ખરીદવાની ઈચ્છા દર્શાવી હતી. મુંબઇમાં રહેતા નિલય અનિલભાઇ દેસાઇને માત્ર જમીન ખરીદવા માટે અધિકૃત કર્યા હતા.
એપ્રિલ - ૨૦૧૩ માં અમારી કંપનીએ આ જમીન ૧૩.૩૩ કરોડમાં ખરીદી ત્યાં સ્કીમ લોન્ચ કરી હતી. આ સાઇટ પર બુકીંગ લેવા માટેની સત્તા માત્ર મને જ હતી. તેમછતાંય નિલય દેસાઇએ કંપનીનું ખોટું એકાઉન્ટ ખોલાવી ૩૯ લાખ પોતાની ફિનિક્સ લાઇફ સ્પેસ પ્રા.લિ. કંપનીમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. તે ઉપરાંત નિલય દેસાઇએ કંપનીના ડાયરેક્ટરની ખોટી સહી કરીને આ જમીન મુંબઇના સંજય જ્યંતિલાલ જૈનને ૧૫ કરોડમાં વેચી દીધી હતી. આ કેસમાં અગાઉ બે આરોપી પકડયા છે. પરંતુ, મુખ્ય સૂત્રધાર નિલય દેસાઇ દોઢ વર્ષ ઉપરાંતના સમયથી પકડાયો નથી. આ ગુનામાં બે આરોપી પકડાયા પછી નિલય દેસાઇએ ઉપરોક્ત બંને ગુનામાં આગોતરા જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે, ચોરીના ગુનામાં અગાઉ પણ નિલય દેસાઇની આગોતરા જામીન અરજી નામંજૂર થઇ હતી.