બળાત્કારના કેસમાં ત્રણ વર્ષથી ફરાર આરોપી આગ્રાથી પકડાયો,માથે 10 હજારનું ઇનામ હતું
વડોદરાઃ બાપોદ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલાં યુવતીની છેડતી કરી બળાત્કાર ગુજારીને ફરાર થઇ ગયેલો આરોપી આખરે ઝડપાઇ ગયો છે.
બાપોદ વિસ્તારમાં જાન્યુઆરી-૨૦૨૧માં પીડિતાની છેડતી કર્યા બાદ તેની સાથે હાથાપાઇ કરી બળાત્કાર ગુજારનાર આરોપી પ્રકાશ શ્રીરામ શર્મા(લોહામંડી, આગ્રા)ને ઝડપી પાડવા માટે વડોદરા પોલીસની ટીમો લાંબા સમયથી દોડધામ કરતી હતી.
આરોપી વારંવાર તેનું લોકેશન બદલતો હોવાથી પોલીસ છેલ્લી ઘડીએ ખાલી હાથ પરત ફરતી હતી.પોલીસ કમિશનરે પણ આ ગુનેગાર માટે રૃ.૧૦ હજારનું ઇનામ જાહેર કર્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ કે જે વસાવા અને ટીમને આરોપી આગ્રામાં છુપાયો હોવાની વિગતો મળતાં લોહામંડી ખાતે વોચ રાખી હતી.આખરે પોલીસ સ્ટેશન સામે ફૂટપાથ પરથી તેને દબોચી લેવામાં આવ્યો હતો.