ચંદન ચોરીના ગુનામાં ૧૮ વર્ષથી ફરાર આરોપી ચિત્તોડગઢથી પકડાયો

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
ચંદન ચોરીના ગુનામાં ૧૮ વર્ષથી ફરાર આરોપી ચિત્તોડગઢથી પકડાયો 1 - image


ગાંધીનગરના સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા

એલસીબી ટુની ટીમ દ્વારા વેશ પલટો કરીને ગામમાં ધામા નાખી ઝડપી લેવામાં આવ્યો : ચોરીના અન્ય ગુના ઉકેલવાની પણ શક્યતા

ગાંધીનગર :  ગાંધીનગરના સેક્ટર ૨૧ પોલીસ મથકમાં નોંધાયેલા ચંદન ચોરીના ગુનામાં છેલ્લા ૧૮ વર્ષથી ફરાર આરોપીને ગાંધીનગર એલસીબી ટુની ટીમ દ્વારા રાજસ્થાનના ચિત્તોડગઢથી ઝડપી લેવામાં આવ્યો છે અને હાલ તેની પૂછપરછ શરૃ કરવામાં આવી છે.

જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં નોંધાતા ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી ટુ પીઆઇ એચ.પી પરમાર દ્વારા પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી આવા ફરાર આરોપીઓની યાદી તૈયાર કરીને તેમને પકડવા માટે સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને પીએસઆઇ કે.કે પાટડીયા અને તેમની ટીમ આરોપીઓને શોધી રહી હતી તે દરમિયાન સેક્ટર ૨૧ પોલીસ મથકમાં નોંધાયેલા ચંદન ચોરીના ગુનામાં છેલ્લા ૧૮ વર્ષથી ફરાર આરોપી લાલારામ ભૈરવસિંહ ભવરલાલ સાલવી રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે હોવાની બાતમી મળી હતી. જોકે તે ગામમાં હાજર હોવાથી પોલીસને જોઈને ભાગી જવાની શક્યતા પણ રહેલી હતી. જેના પગલે એલસીબીના જવાનો દ્વારા આ ગામમાં વેશ પલટો કરીને પ્રવેશ કરવામાં આવ્યો હતો અને અહીં કેમ્પ કરી તેને ઝડપી લીધો હતો હાલ તેને ગાંધીનગર લાવીને સેક્ટર ૨૧ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછમાં ચંદન ચોરીને લગતી અન્ય વિગતો પણ બહાર આવવાની શક્યતા જોવામાં આવી રહી છે.


Google NewsGoogle News