ચાલુ ટ્રેનમાં ચઢીને મહિલાનું પર્સ ચોરીને આરોપી ફરાર
પર્સમાં સોનાનું મંગળસૂત્ર, ચેન, કડી, વીંટી અને રોકડા ૧૦ હજાર હતા
વડોદરા,વડોદરા યાર્ડમાં ટ્રેન ધીમી પડતા ચોર ટ્રેનમાં ચઢીને મહિલાનું પર્સ ચોરીને ચાલુ ટ્રેનમાંથી ઉતરીને ભાગી ગયો હતો. જે અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણાના કડી ખાતે રહેતા હિનાબેન હરિભાઇ પટેલ ગાંધીનગર સચિવાલયમાં ડી.એસ.ઓ. તરીકે નોકરી કરે છે. રેલવે પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું તથા મારા પરિવારજનો ગત તા.૯મી ડિસેમ્બરે ગોવાથી અમદાવાદ આવવા માટે એનાકુલમ - ઓખા એક્સપ્રેસમાં બેસીને આવતા હતા. ૧૦ મી તારીખે મળસ્કે ચાર વાગ્યે ટ્રેન વડોદરા નજીક યાર્ડમાંથી ધીમી ગતિએ પસાર થતી હતી. તે સમયે એક ચોર ટ્રેનમાં ચઢી ગયો હતો. અને મારી મમ્મી ઊંઘતી હોય તેમના માથા નીચેથી પર્સ લઇને ચાલુ ટ્રેને ઉતરીને ભાગી ગયો હતો. જે પર્સમાં સોનાની ૧૫ ગ્રામ વજનની ચેન, ૩૫ ગ્રામ વજનનું મંગળસૂત્ર, સોનાની ત્રણ વીંટી, કાનની કડીઓ તથા રોકડા ૧૦ હજાર હતા. ચાર લાખની મતા ભરેલું પર્સ લઇને ભાગી જનાર ચોરની રેલવે પોલીસે શોધખોળ હાથ ધરી છે.