Get The App

સેલ્ફ ડ્રાઇવ માટે કાર ભાડે લઇ જઇ બારોબાર સોદો કરી દેતો ભેજાબાજ

રાજસ્થાનના ઉદેપુરના એક ગેરેજમાં છેલ્લે કારનું લોકેશન દેખાયું ત્યારબાદ જી.પી.એસ. ટ્રેકર બંધ થઇ ગયું

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
સેલ્ફ ડ્રાઇવ માટે કાર ભાડે લઇ જઇ બારોબાર સોદો કરી દેતો ભેજાબાજ 1 - image

 વડોદરા,સેલ્ફ ડ્રાઇવ માટે કાર ભાડે લઇ જઇ  સોદો કરી દેનાર  ભેજાબાજ સામે પાણીગેટ  પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ  હાથ ધરી છે.  કારનું છેલ્લું લોકેશન રાજસ્થાનના ઉદેપુર ખાતેનું હોવાથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

વાઘોડિયા તાલુકાના આમોદર ગામે પ્રાઇમ પ્લાઝામાં રહેતો સાગર જશાભાઇ ડાંગર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ૧૬ મહિના પહેલા મારા કાકાના દીકરા  હાર્દિક વિનોદભાઇ ડાંગરે ( રહે. જ્યોતિ એપાર્ટમેન્ટ, શ્યામલ ક્રોસ રોડ, અમદાવાદ) એક  કાર ખરીદી હતી. મેં મારા ભાઇ હાર્દિકને કહ્યું હતું કે, તારે કાર ભાડે મૂકવી હોય તો કહેજે. ૧૦ મહિના પહેલા હું અમદાવાદ જઇને તેની કાર લઇ આવ્યો હતો અને ભાડે આપતો હતો. ગત તા.૨૪ મી જાન્યુઆરીએ સેલ્ફ ડ્રાઇવનું કામ કરતા મોહંમદ અયાઝ ઇકબાલભાઇનો મારા પર કોલ આવ્યો હતો. તેણે મને કહ્યું કે, મારા કસ્ટમરને સન રૃફ ટોપ વાળી કાર બે દિવસ માટે ભાડે જોઇએ છે. તમારી  પાસે એવી કાર હોય તો આપો. જેથી, મેં મારા કાકાના દીકરાની  કાર આપવા  તૈયારી બતાવી હતી. તેણે કહ્યું કે, મારી પાસે બાઇક નથી. તમે આયુર્વેદિક  ત્રણ રસ્તા  પાસે આવીને આપી જાવ. જેથી, હું તેને કાર આપી આવ્યો હતો અને બે દિવસનું ભાડું ૧૦ હજાર નક્કી કર્યુ હતું. ત્યારબાદ મને સરદાર  એસ્ટેટ પાસે ઉતારીને તે કાર લઇને જતો રહ્યો હતો.

બે દિવસ પછી મેં અયાઝભાઇને કોલ કરીને કહ્યું કે, આજે બે દિવસ પૂરા થઇ ગયા છે. મારે કાર લગ્ન પ્રસંગમાં આપવાની છે. તેણે મને કહ્યું કે, રાતે અગિયાર - બાર વાગ્યે કાર આવી જશે. પરંતુ, ત્યારબાદ કાર આવી નહતી. મેં જી.પી.એસ.માં  લોકેશન જોઇને ઉદેપુરના ગેરેજમાં તપાસ કરવા ગયો ત્યારે જાણ થઇ કે, મારી કારનો સોદો અયાઝભાઇએ ૧૧ લાખમાં કરી દીધો છે. મેં ત્યાં સ્થાનિક  પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.  પરંતુ, ત્યારબાદ મારી કારનું જી.પી.એસ.ટ્રેકર કામ કરતું બંધ થઇ  ગયું હતું. તેનું છેલ્લું લોકેશન એમ.બી.કે. ઓટો સર્વિસમાં જણાયું હતું.


Google NewsGoogle News