ઠગ ટોળકીને ૪૦ બેંક એકાઉન્ટ ઓપરેટ કરવા માટે આપનાર ભેજાબાજ ઝડપાયો
ટ્રાવેલ એજન્ટે ૩૭.૮૫ લાખ ગુમાવ્યા હતા : આરોપીના રિમાન્ડ પૂરા થતા જેલમાં
વડોદરા,સોશિયલ મીડિયા પર શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ઉંચો નફો મળવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગના એક સાગરીતને સાયબર સેલની ટીમે ઝડપી પાડયો છે. આરોપીએ પોતાના ૧૩ તથા અન્યના મળી કુલ ૪૦ બેંક એકાઉન્ટ ખોલાવી તે ઓપરેટર કરવા માટે ઠગ ટોળકીને ૨૦ હજાર કમિશન લઇને આપી દીધા હતા. પોલીસે તેના રિમાન્ડ પણ મેળવ્યા હતા. રિમાન્ડ પૂરા થતા આરોપીને કોર્ટમાં રજૂ કરાતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
કલાલી રોડ પર આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા અને ટ્રાવેલનો ધંધો કરતા રાજીવભાઈ ચૌહાણે સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત ૧૭મી ફેબુ્રઆરીએ સોશિયલ મીડિયા પર ઇન્વેસ્ટમેન્ટ અંગેની એડવર્ટાઇઝ જોઈ લિંન્ક પર ક્લિક કરતાં એક ગૃપ ઓપન થયું હતું.જેમાં હું જોડાયો હતો.
આ ગૃપની એડમિન દેવિકા રાવના કહેવાથી ઇન્વેસ્ટમેન્ટ શરૃ કર્યું હતું.તા.૨૬ ફેબુ્રઆરી થી ૪ મે સુધીના સમયગાળામાં આરોપીઓએ જુદી-જુદી લિન્ક મોકલી અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ૮.૧૪ લાખ રૃપિયા પરત મોકલી મને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ તેઓએ મારી પાસેથી ૪૬ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. મેં તેઓને રૃપિયા પરત આપવા કહેતા તેઓએ આપ્યા નહતા અને મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. તેઓએ મારી પાસેથી ૩૭.૮૫ લાખ રૃપિયા પડાવી લઈ છેતરપિંડી કરી હતી.
આ ગુનામાં સાયબર સેલના પી.આઇ.બી.એન. પટેલે આરોપી અમિત જ્યંતિલાલ પિઠડિયા (રહે. ચાંદખેડા, અમદાવાદ) ને ઝડપી પાડયો હતો. અમિતે પોતાના નામે અલગ - અલગ ૧૩ બેન્ક એકાઉન્ટ ખોલાવી ચેકબુક, એ.ટી.એમ.કાર્ડ, પાસબુક, સીમ કાર્ડ ની આખી કિટ ઠગ ટોળકીને આપી દીધા હતા. તે ઉપરાંત તેણે પોતાના ઓળખીતા લોકોના પણ એકાઉન્ટ ખોલાવી તેની કિટ આરોપીઓને આપી દીધી હતી. આરોપીએ આ રીતે કુલ ૪૦ એકાઉન્ટ ઓપરેટ કરવા માટે આરોપીઓને આપી દીધા હતા. અમિતના એકાઉન્ટમાં દોઢ કરોડથી વધુના ટ્રાન્જેક્શન થયા હતા. આરોપીના રિમાન્ડ મેળવી પોલીસે ૩૦ થી વધુ ચેકબુક, ૪૦ થી વધુ સીમ કાર્ડ, ડેબિટ કાર્ડ, પાસબુક, હિસાબો લખેલી ડાયરી, મોબાઇલ અને સ્ટેમ્પ પેપર કબજે લીધા છે.