ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી યુવકને બ્લેકમેલ કરનાર મેવાતી ગેંગનો સાગરીત પાસા હેઠળ જેલમાં ધકેલાયો
વડોદરાઃ યુવતીના નામે વાતચીત કરી મોર્ફકરેલો ન્યૂડ વીડિયો બનાવી યુવકને બ્લેકમેલ કરનાર મેવાતી તરીકે ઓળખાતી ગેંગના સાગરીતને પાસા હેઠળ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
વડોદરાના એક યુવકને ગઇ તા.૨૮મી નવેમ્બરે અદિતિ નામની યુવતીના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલનાર ઠગોએ ઓનલાઇન ડાઉનલોડ કરેલો યુવતીનો ન્યૂડ વીડિયો બતાવ્યો હતો અને ત્યારબાદ યુવકનો મોર્ફ કરેલો ન્યૂડ વીડિયો બનાવી તેની પાસે રૃ.૩.૩૩ લાખ પડાવી લીધા હતા.યુવકને સીબીઆઇના નામે પણ ધમકી આપવામાં આવતી હતી.
આ ગુનામાં વડોદરા સાયબર સેલે રાજસ્થાનના દૌસા જિલ્લાના કોટ ગામે દરોડો પાડી સાજીદખાન જાહુલખા અને તેના ભાઇ માજીદખાને ઝડપી પાડી પાંચ દિવસના રિમાન્ડ પર લીધા હતા.
આ ગુનામાં સાયબર સેલે સાજીદખાનની પાસા હેઠળ અટકાયત કરી છે અને ભાવનગર જેલમાં મોકલી આપ્યો છે.નોંધનીય છે કે,અગાઉ સાયબર સેલે ન્યૂડ વીડિયો બનાવનાર આકાશ લાલવાણી અને ઓનલાઇન ઠગાઇ કરનાર ઉમંગ પટેલને પણ પાસા હેઠળ મોકલી આપ્યા હતા.