પોલિસી રિન્યૂ કરાવવાના બહાને ભેજાબાજે મેનેજર સાથે છેતરપિંડી કરી
સાયબર સેલમાં ફરિયાદ કરતા ૨.૪૧ લાખ પૈકી ૨૧,૫૦૦ રિકવર થયા
વડોદરા,પોલિસી રિન્યૂ કરાવવાના બહાને એલ એન્ડ ટીના સેફ્ટી મેનેજર પાસેથી ભેજાબાજે ૨.૧૮ લાખ પડાવી લીધા હતા. જે અંગે પાદરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મુંબઇ બોરિવલીમાં રહેતા મનોજ શિવપુજન ચૌહાણ હાલમાં એલ એન્ડ ટી બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સેફ્ટી મેનેજર તરીકે નોકરી કરે છે અને બિલ ગામ પ્રથમ રિવેરા બિલ્ડિંગની બાજુમાં રોઝડેલ વાટિકામાં રહે છે. પાદરા પોલીસ સ્ટેશમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જુલાઇ - ૨૦૧૮ માં મુંબઇની ગોરેગાંવ ઇસ્ટની એચડીએફસી બ્રાંચમાં ૫૦ લાખની હોમ લોન માટે અરજી કરી હતી. અમારી ૪૧ લાખની લોન મંજૂર થઇ હતી. તેઓએ અમને એવી વાત કરી હતી કે, તમારે વધારે લોન જોઇતી હોય તો એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી પોલિસી લેવી પડશે. વાર્ષિક દોઢ લાખના પ્રિમિયમ વાળી પોલિસી અમે ઉતારી હતી.
કોરોના દરમિયાન અમારી આર્થિક પરિસ્થિતિ કથળતા અમે પોલિસીનું પ્રિમિયમ ભરી શક્યા નહતા. આ પોલિસીનો લોક ઇન પિરિયડ તા. ૨૭ - ૦૯ - ૨૦૨૩ ના રોજ પૂરો થતો હતો. ૨૬ મી તારીખે મારા પર અવિનાશ નામના વ્યક્તિનો કોલ આવ્યો હતો. તેણે પોતાની ઓળખાણ એચડીએફસીની કર્મચારી તરીકે આપી પોલિસી રિન્યૂ કરાવવાના બહાને અમારી પાસેથી ૨.૪૦ લાખ પડાવી લીધા હતા. મને ફ્રોડ થયાની શંકા જતા સાયબર સેલમાં ફરિયાદ કરતા ૨૧,૫૦૦ રૃપિયા રિકવર થયા હતા. બાકીના રૃપિયા ૨.૧૮ લાખ અમારે ગુમાવવા પડયા હતા.