બેન્કની બાકી પડતી લોનના હપ્તા નહી ભરી કાર લઇને ગઠિયો ફરાર
નોટરાઇઝ કરાર કરીને કાર વેચાણ રાખી હતી : માત્ર બે મહિના જ હપ્તા ભર્યા
વડોદરા,બેન્કની બાકી પડતી લોનના હપ્તા ભરપાઇ કરવાની શરતે કાર ખરીદનારે હપ્તા ભર્યા નહતા તેમજ મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો. જે અંગે કાર માલિકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મકરપુરા રામબાગ સોસાયટીની બાજુમાં સોના પાર્ક સોસાયટીમાં રહેતા સુમિત્રાબેન પંકજભાઇ રાવળે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા નામ પર એક સ્પોર્ટ્સ કાર છે. તેનો ઉપયોગ મારા પતિ કરતા હતા. કાર ખરીદવા માટે બેન્કમાંથી લોન લીધી હતી. કારની લોનના હપ્તા ભરવામાં તકલીફ પડતી હોવાથી મેં ભરૃચના આમોદ ગામે રહેતા મારા દિયર નયન રાવળને વાત કરી હતી. તેમણે તેઓના મિત્ર કમલેશ રમણભાઇ પટેલ ( રહે. કાકાની ખડકી, ભાળેલ, આણંદ) ની સાથે મારા પતિ પંકજકુમારની ઓળખાણ કરાવી હતી. કમલેશભાઇએ કાર લેવાનું નક્કી કર્યુ હતું. ગત તા.૨૫ - ૦૫ - ૨૦૨૩ ના રોજ હું તથા મારા પતિ કાર લઇને માંજલપુર સરસ્વતી કોમ્પલેક્સ ચાર રસ્તા પાસે કમલેશભાઇને કાર આપવા ગયા હતા. નોટરી રૃબરૃ કરાર કરીને આપી હતી. તે સમયે તેઓએ મને કાર પેટે રોકડા ૧.૨૧ લાખ આપ્યા હતા. કરારમાં એવી શરત હતી કે, જ્યાં સુધી કાર કમલેશભાઇના નામે ના થાય ત્યાં સુધી દર મહિને તેઓ હપ્તાના રૃપિયા મને આપશે અને મારા એકાઉન્ટમાંથી હપ્તાના રૃપિયા કપાશે.
કમલેશભાઇએ શરૃઆતના બે મહિના સુધી હપ્તાના રૃપિયા આપ્યા હતા. ત્યારબાદ રૃપિયા આપ્યા નહતા. અમે કમલેશભાઇનો સંપર્ક કરતા તેઓનો ફોન બંધ આવે છે. કરારમાં લખેલા સરનામે અમે તપાસ કરવા ગયા તો પણ તેઓ મળી આવ્યા નહતા.