હાઇવે પર નાઇટ રાઉન્ડમાં નીકળેલા એ.સી.પી.ની જીપને અકસ્માત : ૭ ને ઇજા
પાછળથી આવતી કારના ચાલકે ધડાકાભેર અથાડતા કાર અને સરકારી જીપના ટાયર પણ ફાટી ગયા
વડોદરા,નાઇટ રાઉન્ડમાં ફરજ પર નીકળેલા ટ્રાફિક એ.સી.પી.ની બોલેરો જીપને હાઇવે પર પાછળથી એક કાર ચાલકે ધડાકાભેર અથાડતા જીપ અને કારના ટાયર ફાટી ગયા હતા. અકસ્માતમાં એ.સી.પી. સહિત સાત લોકોને ઇજા થઇ હતી. કાર ચાલક સામે ગુનો દાખલ કરી કપુરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ન્યૂ સમા રોડ અભિલાષા ચાર રસ્તા પાસે જાદવ પાર્ક સોસાયટીમાં રહેતા અનિલભાઇ પરસોત્તમભાઇ પરમાર છેલ્લા ૧૩ વર્ષથી વડોદરામાં ટ્રાફિક બ્રિગેડ તરીકે નોકરી કરે છે. અને હાલમાં એ.સી.પી. પૂર્વ ઝોનની સરકારી જીપમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૨૩ ની રાતે ડીસીપી ઝોન ૩ અને ૪ વિસ્તારમાં અમે નાઇટ રાઉન્ડ પર હતા. ટ્રાફિક એ.સી.પી. જે.આઇ. વસાવા તથા હું, હે.કો. રાજેન્દ્રસિંહ, હે.કો. પ્રફુલ્લભાઇ, ગનમેન પ્રદિપ કુમાર નાઇટ રાઉન્ડમાં નીકળ્યા હતા.મળસ્કે પોણા ચાર વાગ્યે હાઇવે પર આજવા ચોકડી બ્રિજની શરૃઆતમાં અમે લાઇટ ચાલુ રાખી ઉભા હતા. પાછળથી પૂરઝડપે આવતી કારના ચાલકે ધડાકાભેર અથાડતા અમારી જીપ બ્રિજની રેલિંગ સાથે ઢસડાઇને ઉભી રહી ગઇ હતી. અમારી જીપનું આગળનું ટાયર ફાટી ગયું હતું. તેમજ જીપને નુકસાન પણ થયું હતું. અકસ્માતના કારણે કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓને ઓછીવત્તી ઇજાઓ થઇ હતી. એ.સી.પી. જે.આઇ.વસાવા, મને તથા હે.કો. પ્રફુલ્લભાઇને ઇજાઓ થઇ હતી. અકસ્માતમાં કારનું આગળનું ટાયર પણ ફાટી ગયું હતું. તેમજ કારને નુકસાન થયું હતું.