સાળાના અર્થી વિસર્જન માટે જતા બનેવીનું અકસ્માતમાં કરૃણ મોત
પીલોલનો બાઇકસવાર યુવાન મોતને ભેટયો ઃ સ્કૂટરચાલકને ઇજા થતાં સારવાર માટે ખસેડાયો
વડોદરા, તા.30 વડોદરા નજીક વિરોદ ગામ પાસે એક બાઇક અને સ્કૂટર સામસામે ધડાકાભેર ભટકાતા સાળાના અર્થી વિસર્જન માટે જતાં યુવાનનું કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને ઇજા થતા સારવાર માટે ખસેડાયો છે.
આ અંગેની વિગત એવી છે કે સાવલી તાલુકાના પીલોલ ગામમાં રહેતા કનુભાઇ ચંદુભાઇ પરમારનો ૨૫ વર્ષનો પુત્ર સુનિલ ખેતીકામ સાથે સંકળાયેલો છે. તેના લગ્ન રવાલ ગામમાં રહેતી જાગૃતિ સાથે થયા હતાં. તેના સાળા કાર્તિકનું મોત નિપજતા આજે સવારે અર્થી વિસર્જન માટે જવાનું હોવાથી સુનિલ ઘેરથી પોતાની બાઇક લઇેને સાસરીમાં જવા માટે નીકળ્યો હતો.
થોડા સમય બાદ ઘરના સભ્યોને જાણવા મળ્યું હતું કે સુનિલને વિરોદ ગામે નકબંગ મંદિર સામે અકસ્માત થયો છે જેથી ઘરના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે સુનિલની બાઇક અને સામેથી આવતી એક્ટિવા સાથે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતમાં સુનિલનું કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે એક્ટિવાચાલકને પણ ઇજા થતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. બનાવ અંગે મંજુસર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.