Get The App

પુરપાટ જતા વાહને પાછળથી ટક્કર મારતા પદયાત્રીનું મોત

બારેજા ખાતે મેલડીમાતાના દર્શને ચાલતા જતા ભરૃચનો યુવાન મોતને ભેટયો ઃ અકસ્માત બાદ ગાડી લઇને ચાલક ફરાર

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
પુરપાટ જતા વાહને પાછળથી ટક્કર મારતા પદયાત્રીનું મોત 1 - image

વડોદરા, તા.7 વરણામા ગામ પાસેના નેશનલ હાઇવે પર વહેલી સવારે મેલડીમાતાના દર્શન માટે બારેજા જતા પદયાત્રીને પૂરપાટઝડપે આવતા એક ફોર વ્હિલ વાહને જોરદાર ટક્કર મારતાં પદયાત્રીનું કરૃણ મોત નિપજ્યું  હતું.

આ અંગેની વિગત એવી છે કે ભરૃચ તાલુકાના મક્તમપુર ખાતે  જૂની પોસ્ટ ઓફિસવાળા ફળિયામાં રહેતા શશીકાંતભાઇ પટેલનો ૩૨ વર્ષનો પુત્ર જિગ્નેશ કરજણ તાલુકાના પુનિતપુરા ગામમાં રહેતા હર્ષદભાઇ બારિયા તેમજ દિલીપભાઇ સાથે અમદાવાદ જિલ્લાના બારેજા ખાતે મેલડીમાતાના મંદિરે પાલેજથી દર્શન માટે ચાલતા જતા હતાં.

તા.૫ની રાત્રે વરણામા ગામના બસ સ્ટેન્ડ પાસે આવી બાપા સિતારામની મઢુલી પાસે રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે તૈયાર થઇને ત્રણેએ રોડની સાઇડ પરથી ફરી પદયાત્રા શરૃ કરી હતી. આ વખતે સુરત તરફથી પૂરપાટઝડપે આવતા એક ફોર વ્હિલે પાછળથી જિગ્નેશભાઇને જોરદાર ટક્કર મારતા જિગ્નેશભાઇ રોડની સાઇડ પર પડતા ગંભીર ઇજા થઇ હતી. જ્યારે અકસ્માત બાદ ચાલક પોતાનું વાહન લઇને ફરાર થઇ ગયો હતો.

અકસ્માતનો ભોગ બનેલ જિગ્નેશભાઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડતા મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતક જિગ્નેશના ભાઇ જયદીપ પટેલની ફરિયાદ મુજબ વરણામા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી અકસ્માત કરીને ફરાર થઇ જનાર વાહનની ઓળખ માટેના પ્રયત્નો હાથ ધર્યા છે.




Google NewsGoogle News