ટ્રકમાંથી લોખંડની બે મોટી પ્લેટો કેબિન તોડી ડ્રાઇવરમાં ઘૂસતા મોત

ટ્રકની કેબિનમાં ફસાઇ ગયેલા ડ્રાઇવરને બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદ લેવાઇ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
ટ્રકમાંથી લોખંડની બે મોટી પ્લેટો કેબિન તોડી ડ્રાઇવરમાં ઘૂસતા મોત 1 - image

વડોદરા, તા.16 સુરત-વડોદરા નેશનલ હાઇવે પર પોર નજીક આગળ જતી એક ટ્રકની પાછળ પૂરઝડપે આવતી અન્ય ટ્રકે અથાડતા આ ટ્રકની પાછળ મૂકેલી લોખંડની બે ભારે પ્લેટો ઘસીને કેબિન તોડીને ડ્રાઇવરની પાછળ ખૂંપી જતાં તેનું કેબિનમાં ફસાઇ જવાથી કમકમાટીભર્યું મોત નિપજ્યું  હતું.

આ અંગેની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના રામપુરમાં રહેતો મોહંમદ હકીમ ખાન તેના પિતા મોહંમદ મુસ્તકીમ સાથે  મુંબઇથી ટ્રકમાં લોખંડની મોટી પાઇપ ભરીને મોરબી ખાતે ખાલી કરવા માટે જતા હતાં. સવારે સુરતથી વડોદરા તરફ પોર ગામ પાસેના જૂના બ્રિજ પાસેથી પસાર થતી વખતે અચાનક પાછળથી આવતી એક ટ્રકે અથાડતા મોહંમદ હકીમે પોતાની ટ્રક ઊભી રાખી તે તેમજ તેના પિતાએ નીચે ઉતરીને જોતાં પાછળથી અથાડનાર ટ્રકની પાછળની બોડીના ભાગે ભરેલ લોખંડની બે ભારે પ્લેટો ડ્રાઇવર કેબિનનો પાછળનો ભાગ તોડી ચાલકના પાછળના શરીરના ભાગે ઘૂસી ગયેલો જણાયો  હતો. આ વખતે લોકો ભેગા થઇ જતાં મોહંમદ હકીમ તેમજ તેના પિતા લોકો મારશે તેવી બીકે ટ્રક લઇને આગળ જતા રહ્યા હતાં.

થોડા સમયમાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને બંનેને પોર ચોકી પર લઇ આવી હતી. બાદમાં જાણવા મળ્યું  હતું કે કેબિનમાં ફસાઇ ગયેલા ડ્રાઇવરનું નામ નોરત રામકરણ મીણા (રહે.ઉગનખેડા, જિલ્લો અજમેર, રાજસ્થાન) હતું અને તે કેબિનમાં ફસાઇ જતાં ફાયર બ્રિગેડની મદદ લઇને તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો  હતો. અકસ્માતના આ બનાવ અંગે  મોહંમદ હકીમની ફરિયાદ મુજબ મૃતક સામે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




Google NewsGoogle News