કપુરાઇ પાસે કન્ટેનર ચડી જતા કારનો કચ્ચરઘાણ ઃ ચારનો બચાવ
મોડી રાત્રે નેશનલ હાઇવે પર ચક્કાજામ ઃ ક્રેનથી કન્ટેનરને હટાવી કારમાં ફસાયેલાને બહાર કાઢ્યા
વડોદરા, તા.24 વડોદરા નજીક કપુરાઇ ચોકડી પાસે એક કાર પર કન્ટેનર ચડી જતા કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. કારમાં દબાયેલી ત્રણ વ્યક્તિને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં.
આ અંગેની વિગત એવી છે કે ગઇરાત્રે તરસાલી તરફથી કપુરાઇ તરફ એક કાર જતી હતી ત્યારે પાછળથી આવતા એક કન્ટેનરે અકસ્માત કરી કન્ટેનર કાર પર ચડાવી દીધું હતું જેના પગલે કાર સેન્ડવિચ થઇ ગઇ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિ સલામત બહાર નીકળી આવી હતી પરંતુ અંદર અન્ય ત્રણ વ્યક્તિઓ ફસાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી.
ક્રેનની મદદથી કન્ટેનરને હટાવી કારમાં ફસાઇ ગયેલી ત્રણ વ્યક્તિઓનું દિલધડક રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા હતાં. આ ઘટનામાં કારમાં બેસેલ અજયભાઇ, સંદિપભાઇ અને તુષારભાઇને સામાન્ય ઇજા થઇ હતી. અકસ્માતના બનાવને પગલે રાત્રે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. આ અંગે કારના ચાલક સંદિપભાઇએ જણાવ્યું હતું કે અમે સુરતથી એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે કેશોદ જતા હતા ત્યારે એક કારને બચાવવા જતા કન્ટેનરનું બેલેન્સ ખોરવાઇ ગયુ હતું અને તે અમારી કાર ચડી ગયું હતું.