લગ્નમાંથી પરત ફરતા દંપતીની બાઇકને ટક્કર ઃ પત્નીનું મોત

જીઇબીના કર્મચારીને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ ઃ બાઇકને પાછળથી ટક્કર મારી અજાણ્યું વાહન ફરાર

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
લગ્નમાંથી પરત ફરતા દંપતીની બાઇકને ટક્કર ઃ પત્નીનું મોત 1 - image

બોડેલી તા.૧૭ પાવીજેતપુર તાલુકાના વાવડી ગામે લગ્નમાં હાજરી આપી વડોદરામાં રહેતા પતિ અને પત્ની બંને પરત ઘેર જતા હતા ત્યારે બોડેલી નર્મદા મુખ્ય કેનાલના બ્રિજ પર પાછળથી અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારતાં ગંભીર રીતે ઘાયલ પત્નીનું મોત નિપજ્યું હતું જ્યારે પતિને સારવાર માટે વડોદરા ખાતે ખસેડાયા છે.

પાવીજેતપુર તાલુકાના કોસુમ ગામના  મૂળ વતની પરંતુ હાલ વડોદરા રહેતા જેન્તીભાઇ રેમતાભાઇ રાઠવા (ઉ.વ.૪૦)  વડોદરા ખાતે જીઇબીમાં ફરજ બજાવે છે. તેઓ પત્ની ચન્દ્રીકા (ઉ.વ.૩૯) સાથે ગઇકાલે વાવડી ગામે સંબંધીના ઘેર લગ્ન હોવાથી પ્રથમ પોતાના ગામ કુસુમ આવ્યા હતા અને બાદમાં પરિવારના સભ્યો સાથે લગ્નમાં વાવડી ગયા હતાં.

લગ્નમાં હાજરી આપી મોડીરાત્રે બે વાગે જેન્તીભાઇ પત્ની સાથે પોતાની બાઇક પર વડોદરા પરત જવા માટે નીકળ્યા હતાં. ત્રણ વાગ્યાના સુમારે બોડેલી ડભોઇ રોડ પર બોડેલી પાસે નર્મદા મુખ્ય કેનાલના બ્રિજ ઉપરથી પસાર થતી વખતે અજણ્યા વાહને બાઇકને પાછળથી ટક્કર મારતાં  દંપતી રોડ પર ફંગોળાયું હતું અને બંનેને ગંભીર ઇજા પહોંચી હતી.

બંનેને બોડેલી દવાખાને સારવાર અર્થે ખસેડયા હતાં. બાદમાં પત્નિ ચન્દ્રીકાબેનને વધુ સારવાર માટે વડોદરા લઇ જવાતા બોડેલી નજીક નર્મદા કેનાલ આગળ ચારોલા ગામના બસસ્ટેન્ડ પાસે ચન્દ્રીકાબેનનું મોત નિપજ્યું હતું.  જેન્તીભાઇને પણ ગંભીર ઇજા થયેલ હોવાથી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ રિફર કર્યા હતાં. બોડેલી પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




Google NewsGoogle News