પુત્રીને સાસરીમાં મૂકી પરત ફરતા અકસ્માત ઃ માંજલપુરના વૃધ્ધનું મોત
ઇકો ગાડી અને રિક્ષા વચ્ચે અકસ્માત બાદ બંને વાહનોએ પલટી મારતા લોકો ભેગા થઇ ગયા
વડોદરા, તા.13 પુત્રીને જરોદ ખાતે સાસરીમાં મૂકીને વડોદરા પરત ફરતાં પિતાની રિક્ષાને ભણીયારા પાસે એક ઇકો ગાડીએ જોરદાર ટક્કર મારતાં બંને વાહનો પલટી ખાઇ ગયા હતાં. અકસ્માતમાં પિતાનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બરોડા હાઇટ્સ નામના ફ્લેટમાં રહેતા દિલીપસિંહ ઠાકોર (ઉ.વ.૭૨) સીએનજી રિક્ષા ચલાવે છે. ગઇકાલે સાંજે તેઓ પુત્રી મિનાક્ષીને મૂકવા માટે પોતાની રિક્ષામાં જરોદ ગયા હતાં. પુત્રીને તેના ઘેર મૂકી દિલીપસિંહ રિક્ષામાં વડોદરા ઘેર પરત ફરતાં હતાં. તેઓ ભણીયારા ગામની સીમમાં દિપમંગળ પેટ્રોલપંપ સામે રિક્ષા લઇને રોડ ક્રોસ કરતાં હતા તે વખતે વડોદરા તરફથી પૂરઝડપે જતી એક ઇકો ગાડીએ રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.
બંને વાહનો વચ્ચેના અકસ્માત સાથે બંને વાહનોએ પલટી મારી હતી જ્યારે અકસ્માતમાં ઇજા પામેલ દિલીપસિંહને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડતા તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર મેહુલે અકસ્માત કરનાર ઇકો ગાડીના ચાલક વિમલ ચુનીભાઇ સોલંકી (રહે.અવિનાશ સોસાયટી, સંગમ ચાર રસ્તા પાસે) સામે જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.