Get The App

પણસોલી પાસે ઇકોએ બાઇકને ટક્કર મારતા સાળા અને બનેવીના કરૃણ મોત

છોટાઉદેપુરથી વડોદરા પરત જતી વખતે અકસ્માત ઃ ઇકો લઇને ચાલક ફરાર થઇ ગયો

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
પણસોલી પાસે ઇકોએ બાઇકને ટક્કર મારતા સાળા અને બનેવીના કરૃણ મોત 1 - image

ડભોઇ તા.૧૦ ડભોઇ તાલુકાના પણસોલી ગામ પાસે ગત રાત્રે એક ઇકોએ બાઇકને જોરદાર ટક્કર મારતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમા વડોદરામાં હાલ રહેતા સાળા અને બનેવીના કરૃણ મોત નિપજ્યાં હતાં.

આ અંગેની વિગત એવી છે કે ૬૩ વર્ષના વિક્રમસિંહ છત્રસિંહ વાસીયા (રહે.કમલાપાર્ક સોસાયટી, વાઘોડિયારોડ, વડોદરા) અને તેમના ૬૪ વર્ષના બનેવી જયસિંહ ગોવિંદસિંહ ચૌહાણ (રહે.નંદભુવન, રાવપુરા પોસ્ટ ઓફિસ પાછળ, વડોદરા) ગઇકાલે બાઇક પર બેસીને વિક્રમસિંહના મૂળ વતન છોટાઉદેપુર ખાતે તેમના ભાઇ સુરેન્દ્રસિંહના ઘેર મહેમાનગતિએ ગયા હતાં.

રાત્રે આઠ વાગ્યાની આસપાસ બંને બાઇક લઇને વડોદરા પરત ફરતાં હતા ત્યારે ડભોઇ તાલુકાના પણસોલી ગામના બસ સ્ટેન્ડ પાસે પાછળથી પૂરપાટઝડપે આવતી એક ઇકો ગાડીએ બાઇકને જોરદાર ટક્કર મારતાં સાળો બનેવી બંને રોડ પર પટકાયા હતા અને બંનેના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. અકસ્માત બાદ ઇકોનો ચાલક ગાડી લઇને ભાગી ગયો હતો પરંતુ તેની નંબરપ્લેટ છૂટી થઇને રોડ પર પડી હતી.

અકસ્માતના બનાવની જાણ થતાં જ વિક્રમસિંહ અને જયસિંહના સંતાનો રાત્રે સ્થળ પર દોડી ગયા હતાં. આ અંગે ડભોઇ પોલીસે મરનાર વિક્રમસિંહના પિતા હેમલસિંહની ફરિયાદના આધારે ઇકોચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Google NewsGoogle News