વડોદરાથી હાલોલ તરફ જતાં સ્ટેટ હાઇવે ઉપર ખાડાના કારણે બાઇકને અકસ્માત ઃ મહિલાનું મોત
પુત્રીની ખબર જોવા માટે વતનમાં જતાં માતાને મોત મળ્યું ઃ એક વર્ષના પુત્રને ઇજા
, તા.29 વડોદરા-હાલોલ સ્ટેટ હાઇવે પરના ખાડામાં બાઇક પડતાં સર્જાયેલા અકસ્માતમાં બાઇક પરથી પટકાયેલી પરિણીતાનું કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે એક વર્ષના પુત્રને ઇજા થતાં સારવાર માટે ખસેડાયો છે.
આ અંગેની વિગત એવી છે કે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ઉછાબેડા ગામમાં રહેતા પંકજ રણછોડ રાઠવાના લગ્ન કમીલા (ઉ.વ.૨૩) સાથે થયા હતાં. તેઓને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પતિ અને પત્ની વડોદરામાં ખોડિયારનગર ખાતે કડિયાકામ કરતા હોવાથી નાના પુત્ર સાથે અહીં જ રહે છે જ્યારે મોટી પુત્રી અને પુત્ર બંને વતનમાં રહે છે.
મોટી પુત્રી અંજનીની તબિયત સારી નહી હોવાથી તેની ખબર જોવા માટે પંકજ તેની પત્ની કમીલા અને એક વર્ષના પુત્ર અવિનાશ સાથે બાઇક પર બેસીને વડોદરાથી પોતાના ગામ જવા માટે નીકળ્યા હતાં. જરોદની આગળ નીકળ્યા બાદ પાંચદેવલા ગામ પાસેથી પસાર થતી વખતે રોડ પર એક ખાડામાં બાઇકનું પાછળનું ટાયર પડતાં પંકજે બાઇક પરનો કાબૂ ગુમાવ્યો હતો અને પાછળની સીટ પર બેસેલ પત્ની તેના પુત્ર સાથે રોડ પર પટકાયા હતાં.
દરમિયાન પંકજ બાઇક રોકી પત્ની અને પુત્ર પાસે ગયો ત્યારે પત્ની બેભાન હાલતમાં હતી અને લોકો પણ ભેગા થઇ ગયા હતાં. એમ્બ્યૂલન્સ દ્વારા બંનેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડતાં ટૂંકી સારવાર દરમિયાન પત્ની કમીલાનું મોત નિપજ્યું હતું. આ અંગે જરોદ પોલીસે ગુનો નોંધતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.