ભારદારી વાહનોના કારણે ત્રણ સ્થળે અકસ્માત : પંડયા બ્રિજ નજીક ટ્રાફિક જામ
૧૦ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત
વડોદરા,ભારદારી વાહનોના કારણે આજે શહેરમાં અકસ્માતો થયા હતા. બે અકસ્માત પંડયા બ્રિજ પાસે થતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જ્યારે ૧૦ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું.
અટલાદરાથી ભાયલી તરફ જતા રોડ પર એક ખાનગી સ્કૂલના કર્મચારી કાર લઇને જતા હતા. તે દરમિયાન પાછળથી એક ભારદારી વાહને ટક્કર મારતા કાર ડિવાઇડર પર ચઢી ગઇ હતી. જોકે, સદ્નસીબે કોઇને ઇજા થઇ નહતી.
જ્યારે શહેરના પંડયા બ્રિજ પર જ્યોતિ સર્કલથી પંડયા બ્રિજ ચઢતા સમયે ટ્રક ચાલક દ્વારા કારને સાઇડ પરથી દબાવી દેતા અકસ્માત સર્જાયો હતો. કારને ટક્કર વાગતા રોડ પર આડી થઇ ગઇ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પર ટ્રક છોડીને ભાગી ગયો હતો. જ્યારે બીજા અકસ્માતમાં પંડયા બ્રિજ ઉતરીને ગેડા સર્કલ તરફ જતા સમયે જ્યોતિ સર્કલ નજીક એક કારને પાછળથી અજાણ્યા વાહને અથાડતા કાર ડિવાઇડર પર ચઢી ગઇ હતી. જોકે, અકસ્માતમાં કોઇને ઇજા થઇ નહતી. પરંતુ, ઉપરાછાપરી બે અકસ્માતોના પગલે પંડયા બ્રિજ થી માંડીને પોલિટેકનિક સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. બનાવના પગલે પોલીસ દોડી આવી હતી અને વાહન વ્યવહાર પૂર્વવત્ કર્યો હતો.
ચોથા બનાવની વિગત એવી છે કે, કાલુપુરા લિંગાયતના ખાંચામાં રહેતો સમર્થ પારેખ ગત ૧૧ મી તારીખે ઘરેથી બાઇક લઇને વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે મિત્રને મળવા માટે ગયો હતો. વાઘોડિયા રોડ પર તેની બાઇક સ્લિપ થઇ જતા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને માથા તથા હાથ પર ઇજાઓ થઇ હતી. સારવાર દરમિયાન ગઇકાલે બપોરે બે વાગ્યે તેનું મોત થયું હતું. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.