રોડ પર ગાય આવતા બાઇક ધીમી કરી ડમ્પરે પાછળથી ટક્કર મારતા પિતા-પુત્ર ફંગોળાયા ઃ પુત્રનું મોત

૧૮ વર્ષના પુત્રને બાઇક પર બેસાડી પિતા કંપનીમાં નોકરી પર છોડવા જતા હતાં

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
રોડ પર ગાય આવતા બાઇક ધીમી કરી  ડમ્પરે પાછળથી ટક્કર મારતા પિતા-પુત્ર ફંગોળાયા ઃ પુત્રનું મોત 1 - image

વડોદરા, તા.30 સાવલી તાલુકાના મંજુસર ખાતે રોડ પર આગળ ગાય આવી જતાં પુત્રને નોકરી પર મૂકવા જતા પિતાએ બાઇકને ધીમી કરી ત્યારે પાછળથી પૂરઝડપે આવતા ડમ્પરે બાઇકને જોરદાર ટક્કર મારતાં રોડ પર પટકાયેલા પુત્રનું કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે પિતાને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા છે.

આ અંગેની વિગત એવી છે કે સાવલી તાલુકાના કુનપાડ ગામમાં રહેતા સતિષ ભયલાલ રાઠોડને સંતાનમાં બે પુત્ર છે જેમાં સૌથી મોટો ૧૮ વર્ષનો ક્રિષ્ણા હતો. તે મંજુસર જીઆઇડીસીમાં આવેલી પ્લાસ્ટિકની ક્રિયા કંપનીમાં નોકરી કરતો હતો. ગઇકાલે સવારે સતિષભાઇ પુત્ર ક્રિષ્ણાને નોકરી પર છોડવા માટે બાઇક લઇને નીકળ્યા હતાં તેઓ મંજુસરરોડ પર મજબુર હોટલ પાસેથી પસાર થતાં હતા ત્યારે આગળ એક ગાય પસાર થતાં સતિષભાઇએ બાઇક રોડની સાઇડ પર ધીમી કરી હતી આ વખતે પાછળથી પૂરપાટઝડપે આવતા એક ડમ્પરે બાઇકને જોરદાર ટક્કર મારતાં પિતા અને પુત્ર બંને ઉછળીને નીચે પટકાયા હતાં.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત ક્રિષ્ણાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો પરંતુ ફરજ પરના તબીબે તેનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આર્થિક સ્થિતિ સારી નહી હોવાથી પિતાને મદદરૃપ થવા માટે ક્રિષ્ણા ૧૮ વર્ષનો હોવા છતાં તેને કંપનીમાં એક મહિના પહેલાં જ કામ કરવાનું શરૃ કર્યું  હતું. આ બનાવ અંગે મંજુસર પોલીસે અકસ્માત બાદ સ્થળ પર ડમ્પર મૂકીને ફરાર થઇ ગયેલા ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Google NewsGoogle News