લાંચમાં ઝડપાયેલા હેડ કોન્સ્ટેબલ આનંદ વાળાના ઘેર ACBની સર્ચ

કોન્સ્ટેબલની લાંચમાં અન્ય કોઇના ભાગ અંગે એસીબી દ્વારા સર્ચ

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
લાંચમાં ઝડપાયેલા હેડ કોન્સ્ટેબલ આનંદ વાળાના ઘેર ACBની સર્ચ 1 - image

વડોદરા, તા.23 સ્પાના સંચાલક સામે કાર્યવાહી બાદ જાહેરનામાના સામાન્ય ગુનામાં રિમાન્ડ નહી માંગવા અને હેરાનગતિ નહી કરવા માટે રૃા.૧૦ હજારની લાંચ લેતા ઝડપાયેલા માંજલપુર પોલીસ સ્ટેશનની વિશ્વામિત્રી પોલીસચોકીના હેડ કોન્સ્ટેબલના ઘેર એસીબી દ્વારા સર્ચ કરવામાં આવી હતી.

એક સ્પા અને મસાજ પાર્લરના સંચાલક સામે માંજલપુર પોલીસ દ્વારા કાર્યવાહી કરી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ વિશ્વામિત્રી પોલીસચોકીના હેડ કોન્સ્ટેબલ આનંદ રામજી વાળા (રહે.પ્રતાપનગર પોલીસલાઇન, મૂળ તલ્લી, તા.તળાજા, જિલ્લો ભાવનગર) કરતા હતાં. હેડ કોન્સ્ટેબલ આનંદ વાળાએ સ્પાના સંચાલકના રિમાન્ડ નહી માંગવા તેમજ હેરાનગતિ નહી કરવા માટે રૃા.૧૦ હજારની માંગણી કરી હતી.

આ અંગે એસીબીમાં ફરિયાદ થતાં લાંચનું છટકું ગોઠવીને હેડ કોન્સ્ટેબલ આનંદ વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આનંદે રૃા.૨ હજાર પરત પણ કર્યા હતાં. દરમિયાન એસીબી દ્વારા આજે હેડ કોન્સ્ટેબલ આનંદ વાળાની સત્તાવાર ધરપકડ કરી હતી. જ્યારે એસીબીની અન્ય ટીમ દ્વારા પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતેના નિવાસસ્થાને સર્ચ પણ કરવામાં આવ્યું હતું. લાંચની આ રકમમાં અન્ય કોઇનો ભાગ છે કે નહી તે વિગત જાણવા એસીબી દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવશે.




Google NewsGoogle News