એબીવીપીનું અલ્ટીમેટમ, સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકો યથાવત રહેશે તેવી સ્પષ્ટતા કરો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકો ઘટાડી નાંખવા અંગે યુનિવર્સિટી સત્તાધીશોએ કરેલી સ્પષ્ટતા લોકોના ગળે ઉતરી રહી નથી.
ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા આજે જિલ્લા કલેકટર કચેરીમાં પણ આવેદનપત્ર આપીને યુનિવર્સિટી સત્તાધીશોએ અનામત ઘટાડી નાંખવા માટે લીધેલા નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ગઈકાલે, શુક્રવારે યુનિવર્સિટી સત્તાધીશોએ તો એબીવીપીના વિદ્યાર્થીઓને રજૂઆત કરવા માટે હેડ ઓફિસમાં પ્રાંગણમાં પણ આવવા માટે મંજૂરી આપી નહોતી.કાર્યકરો જાતે ગેટ કૂદીને પ્રવેશી ગયા હતા.જ્યારે કલેકટર કચેરીમાં તો એક અધિકારીએ વિદ્યાર્થીઓને ચેમ્બરમાં બોલાવીને તેમની વાત સાંભળી હતી અને આવેદનપત્ર પણ સ્વીકાર્યુ હતુ.
એબીવીપીનુ કહેવુ છે કે, સ્થાનિક વિદ્યાર્થીઓની અનામત બેઠકો ૭૦ ટકાથી ઘટાડીને ૫૦ ટકા કરવાના નિર્ણયને સાંખી લેવામાં નહીં આવે.યુનિવર્સિટી ૨૪ કલાકમાં સ્પષ્ટતા કરે કે, અનામત બેઠકોમાં કોઈ જાતનો ઘટાડો નહીં થાય, નહીંતર સત્તાધીશોએ ઉગ્ર આંદોલનનો સામનો કરવા માટે તૈયાર રહેવુ પડશે.
ઉલ્લેખનીય છે કે, એબીવીપીના વિરોધ બાદ સત્તાધીશો હચમચી ગયા છે.યુનિવર્સિના ઈન્ચાર્જ પીઆરઓએ સ્પષ્ટતા કરી છે કે, અનામત ઘટાડવાનો કોઈ નિર્ણય અત્યારે લેવાયો નથી.જોકે તેમણે ભવિષ્યમાં આવો કોઈ નિર્ણય લેવાશે કે કેમ તે અંગે અધ્ધરતાલ જવાબ આપ્યો હતો.
સરમુખત્યારની જેમ વરતી રહેલા સત્તાધીશોને પ્રજા પરચો બતાવશે
યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના પૂર્વ સેનેટ સભ્યે વડોદરાના વિદ્યાર્થીઓ માટે અનામત બેઠકો અંગે ફરી ખુલ્લો પત્ર લખ્યો છે અને કહ્યુ છે કે, સરમુખ્યાતરની જેમ વર્તી રહેલા યુનિવર્સિટી સત્તાધીશોએ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશમાં અન્યાય કરતો નિર્મય લીધો છે અને તેમને વડોદરાવાસીઓનો ટુંક સમયમાં પરચો મળશે..સરકાર તો કોમન એકટમાં એમ.એસ.યુનિવર્સિટીને સામેલ કરીને પહેલા જ અન્યાય કરી ચૂકી છે.ભાજપના ધારાસભ્યો તે વખતે પણ ચૂપ હતા અને આજે પણ ચૂપ છે.વડોદરાવાસીઓ હવે પ્રવેશમાં થનારા અન્યાય સામે જાગે તેવી આશા છે.