Get The App

લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા ગ્રાઉન્ડમાં ૮ વર્ષની અમેરિકન સિટિઝનશિપ ધરાવતી બાળકી સાથે દુર્વ્યવહાર

બાળકીને ગાળો બોલી સિક્યુરિટી જવાને ઝપાઝપી કરી : અમેરિકન એમ્બેસીને જાણ કરી

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા ગ્રાઉન્ડમાં  ૮ વર્ષની અમેરિકન સિટિઝનશિપ ધરાવતી બાળકી સાથે દુર્વ્યવહાર 1 - image

વડોદરા,લક્ષ્મી વિલાસ પેલેસના ગ્રાઉન્ડના ગરબામાં રમતી ૮ વર્ષની અને અમેરિકન સિટિઝનશિપ ધરાવતી બાળકી  સાથે સિક્યુરિટી જવાને ઝપાઝપી  કરતા બાળકીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બનાવ અંગે બાળકીના પિતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.  પરંતુ, પોલીસે  હજી ગુનો દાખલ કર્યો નથી.

શહેરના વાસણા રોડ પર રહેતા બિઝનેસમેનની દીકરીનો જન્મ અમેરિકામાં થયો હતો. તેની પાસે અમેરિકાની સિટિઝનશિપ છે. ગઇકાલે પિતા સાથે ૮ વર્ષની બાળકી લક્ષ્મી વિલાસ  પેલેસ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમવા ગઇ હતી. તે  દરમિયાન એક સિક્યુરિટી જવાને આવીને બાળકીનો હાથ પકડી ગાળો બોલી ઝપાઝપી શરૃ કરી હતી. જેથી,બાળકીને જમણા  હાથે ઇજા પહોંચતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. બાળકીના હાથ પર ચાઠા પડી ગયા હતા. બાળકીના પિતાએ કહ્યું હતું કે, અમે બે સિક્યુરિટી લેવલ  ક્રોસ કરીને આવ્યા હતા. તેમ છતાંય તેઓને કોઇ પ્રોબ્લેમ હતો તો અમારી સાથે વાતચીત કરવી જોઇતી હતી. પરંતુ, સિક્યુરિટી જવાને ગાળો બોલી ઝપાઝપી કરી ગુંડાગીરી જેવું વર્તન કર્યુ હતું. આ અંગે અમે રાવપુરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. પરંતુ, પોલીસે હજી ગુનો દાખલ કર્યો નથી.  આ અંગે અમે અમેરિકન એમ્બેસીમાં પણ ફરિયાદ કરી છે. તેઓ દ્વારા પણ આ અંગે કાર્યવાહી કરવામાં આવશે. 


રાતે એક વાગ્યે ગરબા ગ્રાઉન્ડ પર હોબાળો થયો હતો

વડોદરા,બાળકીના પિતાએ કહ્યું હતું કે, અમે અગાઉ અમેરિકામાં રહેતા હતા. તે સમયે મારી બાળકીનો જન્મ ત્યાં થયો હતો. હાલમાં વર્ષોથી અમે વડોદરામાં જ સ્થાયી થયા છે. ૮ વર્ષની બાળકી સાથે આ રીતે દુર્વ્યવહાર થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અમે પોલીસને રજૂઆત કરી હતી કે, જે પણ ઇશ્યૂ  હોય પણ અમારી દીકરી સાથે ઝપાઝપી ના કરવી જોઇએ. રાતે એક વાગ્યે ગરબા ગ્રાઉન્ડ પર  હોબાળો થતા અમે બધા રાવપુરા પોલીસ સ્ટેશન આવ્યા હતા. ત્યારબાદ અમે સારવાર માટે દીકરીને લઇને સયાજી હોસ્પિટલમાં ગયા હતા.



Google NewsGoogle News