બોડેલીના નકલી સિંચાઇ કચેરીના કૌભાંડમાં અબુબકરના ભાઇની ધરપકડ
અબુબકરના ભાઇ એઝાઝને ચાર દિવસના રિમાન્ડ ઃ અધિકારીઓ જાડેજા અને ગામીત હજી ફરાર
નસવાડી તા.૧૭ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નકલી કચેરીના કૌભાંડમાં છોટાઉદેપુર પોલીસે અબુબકરના ભાઈની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છોટાઉદેપુર ખાતે લાવી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. દાહોદમાં ઝડપાયેલા પ્રાયોજના વહીવટદારની ટ્રાન્સફર વોરંટના આધારે છોટાઉદેપુર પોલીસે ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સિંચાઈ વિભાગની નકલી કચેરી બનાવી અને રૃા.૪ કરોડથી વધુ રકમની ગ્રાન્ટ છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદારની કચેરીમાંથી મેળવીને સરકારી નાણાંની ઉચાપત કરી સરકારને ચૂનો લગાવ્યો હતો. બોડેલીની નકલી કચેરીના માસ્ટર માઈન્ડ અબુબકરના નાના ભાઈ એઝાઝની દાહોદ ખાતે પણ નકલી કચેરીના કૌભાંડમાં ધરપકડ થઇ હતી. છોટાઉદેપુર જિલ્લાના નકલી કચેરીના કૌભાંડમાં પણ તેની સંડોવણી બહાર આવ્યા બાદ પોલીસે તેની કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી ધરપકડ કરી છોટાઉદેપુર ખાતે લાવવામાં આવ્યો હતો.
પોલીસે તેની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ માંગતા ચાર દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કરાયા છે. જયારે અગાઉ છોટાઉદેપુર ખાતે પ્રાયોજના વહીવટદાર તરીકે બાબુભાઇ ધોળાજીભાઈ નિનામાં વર્ષ-૨૦૧૬ થી ત્રણ વર્ષ સુધી છોટાઉદેપુર ખાતે ફરજ બજાવી હતી. હાલ દાહોદ ખાતે નકલી કચેરીના કૌભાંડમાં તેમની પણ સંડોવણી બહાર આવતા છોટાઉદેપુર પોલીસે તેઓની ટ્રાન્સફર વોરંટ દ્વારા ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયા છે.
છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર કચેરીના અગાઉના પ્રાયોજના વહીવટદાર આર. જે. જાડેજા અને વી. સી. ગામીત પોલીસ ચોપડે વોન્ટેડ છે. આ બંને અધિકારીઓ છેલ્લા કેટલાક સમય થી પોલીસ પકડથી દૂર ભાગી રહ્યા છે.