વડોદરા કોર્પોરેશનમાં 552 ક્લાર્કની ભરતી : ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં ગેરહાજર રહેનાર ગેરલાયક

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનમાં 552 ક્લાર્કની ભરતી : ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં ગેરહાજર રહેનાર ગેરલાયક 1 - image

વડોદરા,તા.27 ડિસેમ્બર 2023,બુધવાર

વડોદરા કોર્પોરેશન દ્વારા 552 જુનિયર ક્લાર્કની જગ્યા પર મેરીટ્સ પ્રમાણે આવેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા તારીખ પહેલી જાન્યુઆરીથી તારીખ પાંચમી જાન્યુઆરી સુધી પ્લેનીટેરિયમ સયાજી બાગ ખાતે કરવામાં આવનાર છે. આ પ્રક્રિયામાં ગેરહાજર રહેલા ઉમેદવાર ભરતી પ્રક્રિયા માટે ગેરલાયક થશે તેમ ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિએ જાહેર સૂચના આપી સ્પષ્ટતા કરી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી જુનિયર ક્લાર્કની ભરતી અંગેની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ મેરીટ્સ પ્રમાણે પાસ થયેલા એવા 552 ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી તારીખ પહેલી જાન્યુઆરી થી તારીખ પાંચમી જાન્યુઆરી સુધી કરવામાં આવનાર છે. જે અંગે ડેપ્યુટી કમિશનર હસમુખભાઈપ્રજાપતિએ ઉમેદવારોને જાણકારી આપી છે.

જાહેર સૂચના આપતા ડેપ્યુટી કમિશનરે જણાવ્યું છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા 552 જુનિયર ક્લાર્કની જગ્યાની સીધી ભરતી કરવા ગુજરાત ગૌણ સેવા પરિષદ મંડળ દ્વારા ગત તારીખ આઠમી ઓક્ટોબરના રોજ લેખિત પરીક્ષા લેવામાં આવી હતી જે અન્વયે પ્રાથમિક તબક્કામાં ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી અર્થે તારીખ પહેલી જાન્યુઆરી થી તારીખ પાંચમી સુધી રૂબરૂમાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. દરેક ઉમેદવારે અસલ ફોટો આઈડી, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાત (સેમિસ્ટર પ્રમાણે માર્કશીટ અને ડિગ્રી સહિત)અને આનુસંગિક પુરાવા જાતિના પ્રમાણપત્ર(બે ઝેરોક્ષ સેટ) અરજી પત્રક સૂચિત કોલ લેટર સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે ઉમેદવારોની યાદી સ્થળ તારીખ તથા સમય તેમજ અન્ય અગત્યની સૂચનાઓ વડોદરા કોર્પોરેશનની વેબસાઈટ ઉપર તા.27/12/ 23 ના રોજ બપોરે બે કલાકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.

 ડેપ્યુટી કમિશનરે સ્પષ્ટતા કરી છે કે, ગેરહાજર રહેલા ઉમેદવાર આગળની ભરતી પ્રક્રિયા માટે ગેરલાયક થશે. વધુમાં અરજી કરતાં સમયે જન્મ તારીખ કે જેન્ડર સ્ત્રી હોય કે પુરુષ બાબતે અરજી પત્રકમાં ઉમેદવાર દ્વારા ક્ષતીયુક્ત વિગતો ભરવામાં આવી હોય તો તે સુધારવા અંગે તારીખ પહેલી જાન્યુઆરી પહેલા રૂબરૂમાં લેખિતમાં જાણ કરવા જણાવવામાં આવે છે. સમય વિત્યાં બાદ કોઈપણ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તેમ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.


Google NewsGoogle News