પોલીસની જાસૂસીકાંડમાં એક વર્ષથી વોન્ટેડ બૂટલેગર પરેશ દમણના બારમાંથી પકડાયો
વડોદરાઃ ભરૃચ પોલીસના બે કોન્સ્ટેબલ દ્વારા બે બૂટલેગરો માટે ગુજરાત પોલીસની જાસૂસી કરવામાં આવતી હોવાના ચકચારી પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરાના બૂટલેગર પરેશ ચકાને દમણથી દબોચી લીધો છે.
ભરૃચ જિલ્લાની એલ.સી.બી. શાખાના બે પોલીસ કર્મચારીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારી અને કર્મચારીઓના ગેરકાયદેસર રીતે લોકેશનો લઈને વડોદરાના બૂટલેગર પરેશ ઉર્ફે ચકો ચૌહાણ અને નયન કાયસ્થને લોકેશન આપતા હોવાનો ભાંડો ફૂટયો હતો.
ઉપરાક્ત જાસૂસી કાંડ અંગે વર્ષ-૨૦૨૩માં ભરૃચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને કોન્સ્ટેબલ સાથે નામચીન બૂટલેગર નયન અને પરેશ સામે ગુનો દાખલ થયો હતો.જેમાં નયન કાયસ્થને ્અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફેબુ્રઆરી મહિનામાં ઝડપી પાડયો હતો અને હાલમાં તે જેલમાં છે.
આ બનાવમાં છેલ્લા એક વર્ષથી ફરાર વડોદરાના પરેશનો પત્તો લાગતો નહતો.જેથી તેને શોધવા માટે એસએમસીની ટીમો દોડધામ કરી રહી હતી.પરેશ શનાભાઇ ચૌહાણ દમણના મયૂર બીયર બારમાં હોવાની વિગતો મળતાં એસએમસીની ટીમે વોચ રાખી તેને દબોચી લીધો હતો.પોલીસે તેને ભરૃચ પોલીસને હવાલે કરવાની તજવીજ કરી હતી.જેથી આગામી સમયમાં તેના રિમાન્ડ લેવાની કાર્યવાહી કરવામાં આવશે.
પરેશ ચૌહાણ સામે દારૃના 27 ગુના,6 ગુનામાં વોન્ટેડ
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા બૂટલેગર પરેશ ચૌહાણ સામે દારૃના ૨૭ ગુના નોંધાયા છે.જે પૈકી ૬ ગુનામાં હજી તે બે વર્ષથી વોન્ટેડ હતો.ભરૃચ પોલીસે તેની જાસૂસી કાંડના ગુનામાં ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે.
પોલીસ અધિકારીઓના લોકેશન 2891 વાર શેર કર્યા હતા
ભરૃચ એલસીબીના બે પોલીસ કર્મીઓ બૂટલેગરો માટે પોલીસ અધિકારીઓની જાસૂસી કરતા હોવાના પ્રકરણમાં પોલીસે તપાસ કરતાં બંને પોલીસ કર્મીઓએ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ અને પોલીસ કર્મીઓના લોકેશન ૨૮૯૧ વાર શેર કર્યા હોવાની વિગતો ખૂલી હતી.