'આપ'ના ફરાર ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીને એસએસજી હોસ્પિટમા દાખલ કરાયા
જંગલખાતાના કર્મચારીને ધમકી અને ફાયરિંગના ગુનામાં ચૈતર વસાવાના પત્નીની ધરપકડ થઇ ચુકી છે, રાજપીપળા જેલમાં તબીયત બગડતા વડોદરા લવાયા
વડોદરા : જંગલખાતાના કર્મચારીને ઘરે બોલાવીને એક રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ ધમકી આપવાના ગુનામાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાઇ છે. જો કે ચૈતર વસાવા ફરાર છે પરંતુ પોલીસે તેની પત્ની શકુંતલાબેનની ધરપકડ કરી છે. આ દરમિયાન શકુંતલાબેનની તબીયત ખરાબ થતા વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે જ 'આપ'ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગંભીર ફરિયાદ નોંધાતા તે ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે બીજી તરફ ચૈતર વસાવાની પત્ની શકુંતલાબેનની ધરપકડ થઇ ચુકી છે અને તેઓ રાજપીપળા સબ જેલમાં હતા દરમિયાન તેઓએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા રાજપીપળા જીએમઇઆરએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું બ્લડ પ્રેશર હાઇ નોંધાતા ડોક્ટરે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રિફર કરતા તેઓને આજે એસએસજી હોસ્પિટલમા લાવવામાં આવ્યા હતા અને હાલમાં આઇસીયુમાં રાખવામાં આવ્યા છે જો કે તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળે છે.