૨૦ વર્ષથી ફરાર વિસનગરના ટ્રાન્સપોર્ટરની આખરે ધરપકડ

યુવતીની હેરાનગતિ મુદ્દે વિસનગરથી કોલેજના વિદ્યાર્થીઓએ આવી મેવલીના યુવાનને માર માર્યો હતો

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
૨૦ વર્ષથી ફરાર વિસનગરના ટ્રાન્સપોર્ટરની આખરે ધરપકડ 1 - image

વડોદરા, તા.13 ડેસર તાલુકાના નારપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે યુવતીની છેડતીની અદાવતમાં મહેસાણા જિલ્લાના વિસનગરથી આવેલા એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ હોટલના માલિકે એક યુવકને માર મારવાના રાયોટિંગના ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી ફરાર આરોપીને જિલ્લાના પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડયો હતો. ઝડપાયેલો આરોપી વિસનગરમાં મોટો ટ્રાન્સપોર્ટર તેમજ ભાજપનો કાર્યકર હોવાની વિગતો બહાર આવી છે.

આ અંગેની વિગત એવી છે કે સાવલી તાલુકાના મેવલી ગામમાં રહેતો નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ વર્ષ-૨૦૦૪માં કાલોલ ખાતેની કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે એક યુવતીને તે હેરાન કરતો હતો. નરેન્દ્રસિંહની હેરાનગતિથી કંટાળીને યુવતીએ તેના મહેસાણા જિલ્લાના વિસનગરમાં આવેલી સાકરચંદ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા ભાઇ પ્રશાંતસિંહને વાત કરી હતી. આ વખતે પ્રશાંતસિંહે જણાવેલ કે અમે થોડા દિવસોમાં પાવાગઢ ફરવા આવીએ ત્યારે નરેન્દ્રસિંહનો ખેલ કરીએ છીએ.

બાદમાં પ્રશાંતસિંહ તેમજ તેની સાથે અભ્યાસ કરતા અન્ય ત્રણ વિદ્યાર્થી અને કોલેજની બહાર નાસ્તાની હોટલ ચલાવતા હાર્દિક રમેશ પટેલ (રહે.વિસનગર, જિલ્લો મહેસાણા)ને સાથે લઇ ક્રૂઝર ગાડીમાં પાવાગઢ આવ્યા હતાં. માતાજીના દર્શન કરી પરત જતી વખતે નારપુરા બસ સ્ટેન્ડ પાસે નરેન્દ્રસિંહ આવતા જ તેના પર હુમલો કરી માર મારી બધા ભાગી ગયા હતાં. આ વખતે તે સમયે પાંડુ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બગડે નહી તે માટે પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા હતાં. જ્યારે હાર્દિક ફરાર થઇ ગયો હતો.

છેલ્લા ૨૦ વર્ષથી ફરાર હાર્દિકને ઝડપી પાડવા માટે જિલ્લાના પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન જમાદાર હિતેન્દ્રસિંહને માહિતી મળી હતી કે હાર્દિક અગાઉ સામાન્ય હોટલ ચલાવતો હતો તે હવે મોટો ટ્રાન્સપોર્ટર થઇ ગયો છે તેમજ વસંતા ટ્રેડર્સ નામે ધંધો કરે છે અને વિસનગરમાં જ રહે છે. બાદમાં પોલીસની એક ટીમ ત્યાં પહોંચી ગઇ હતી અને વિસનગરમાં વસંતા ગોડાઉન, શીશી રોડ પરથી હાર્દિકને ઝડપી પાડયો હતો.




Google NewsGoogle News