વડોદરા શહેરમાં રસ્તાને નડતરરૂપ 80 જેટલા કાચા ઝુંપડાનો તંત્ર દ્વારા સફાયો : મંગળ બજારના દબાણ ફરી હટાવાયા

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
વડોદરા શહેરમાં રસ્તાને નડતરરૂપ 80 જેટલા કાચા ઝુંપડાનો તંત્ર દ્વારા સફાયો : મંગળ બજારના દબાણ ફરી હટાવાયા 1 - image


Vadodara Demolition : વડોદરા શહેરમાં ચારે બાજુએ બિલાડીના ટોપની જેમ કાચા-પાકા દબાણોનો રાફડો ફાટ્યો છે. ત્યારે સમા-સાવલી-છાણી કેનાલ રોડ અભિલાષા વિસ્તારમાં કેનાલને સમાંતર વર્ષોથી બનાવેલા કાચા ઝૂંપડાના ગેરકાયદે દબાણોનો સફાયો પાલિકા તંત્રની દબાણ શાખાએ કરીને એક ટ્રક જેટલો માલ સામાન કબજે કરીને પાલિકા સ્ટોરમાં જમા કરાવ્યો છે. જ્યારે શહેરના હાર્દ સમાન મંગળ બજાર વિસ્તારમાં પણ ત્રાટકેલી દબાણ શાખાની ટીમે લારી ગલ્લા પથારાના દબાણો હટાવ્યા હતા. જોકે આ દબાણો ગઈકાલે પણ તંત્ર દ્વારા ખસેડાયા હતા પરંતુ તંત્રની ટીમ પરત જતાં દબાણો યથા સ્થાને ફરી એકવાર ગોઠવાઈ ગયા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે સમા-સાવલી-છાણી કેનાલ રોડ અભિલાષા તરફ કેનાલને સમાંતર 80 જેટલા કાચા ઝુંપડા છેલ્લા કેટલાય સમયથી બની ગયા હતા. આ અંગે પાલિકા તંત્રને વારંવાર ફરિયાદો મળી હતી. પરિણામે વોર્ડ નં 2ના વોર્ડ ઓફિસરની ટીમ સાથે દબાણ શાખાની ટીમ ઘટના સ્થળે આજે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળે બનેલા 80 જેટલા કાચા ઝુંપડાના બામ્બુ અને પ્લાસ્ટિક સહિત ઝૂંપડાને બાંધેલા કંતાન દબાણ શાખાની ટીમે કાઢી નાખ્યા હતા અને કાચા ઝુંપડાઓ ઉપર બુલડોઝર ફેરવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ત્યારે તમાશો જોવા આસપાસના સ્થાનિક રહીશો એકત્ર થયા હતા. આવી જ રીતે મંગળ બજાર વિસ્તારમાં દુકાનદારોએ લટકાવેલા લટકણીયા સહિત લારી-ગલ્લા, પથારાના દબાણો ગઈકાલે ખસેડાયા બાદ આજે ફરી એકવાર ગોઠવાઈ જતા દબાણ શાખાની ટીમે ગેરકાયદે દબાણો હટાવીને મંગળ બજારનો રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.


Google NewsGoogle News