1400 રામ ભક્તોને લઇને 'આસ્થા ટ્રેન' વડોદરાથી અયોધ્યા રવાના
રામલલાના દર્શન કરીને પાંચ દિવસ બાદ અયોધ્યાથી પરત ફરશે, વડોદરાની 1500 સોસાયટીઓમાં પ્રસાદ વહેંચાશે
વડોદરા : ભગવાન શ્રી રામજીની જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલા ભવ્ય રામ મંદિરમાં ગત તા.૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ ગયા બાદ દેશના તમામ સનાતનીઓને ભગવાન શ્રી રામજીના દર્શન માટે ઉત્કંઠા જાગી છે ત્યારે આજે બપોરે વડોદરા રેલવે સ્ટેશનથી ૧૪૦૦ રામ ભક્તોને લઇને 'આસ્થા ટ્રેન' અયોધ્યા જવા રવાના થઇ છે. આ પ્રસંગે રેલવે સ્ટેશન પર મહોત્સવ જેવો માહોલ હતો અને ઢોલ નગારા સાથે રામ ભક્તોને રવાના કરાયા હતા.
રેલ મંત્રાલય દ્વારા દરેક વિસ્તારમાંથી રામ ભક્તો અયોધ્યા દર્શન કરી શકે તે માટે આસ્થા ટ્રેન દોડાવામાં આવી રહી છે. આજે બપોરે વડોદરાના ૧૯ વોર્ડમાંથી જે રામ ભક્તોએ અગાઉથી બુકિંગ કર્યુ હતુ તેવા ૧૪૦૦ રામ ભક્તોની લઇને આસ્થા ટ્રેન આજે રવાના થઇ છે. ભક્તોમાં ૫૦ ટકા મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ પ્રવાસના સંયોજક અને ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેએ કહ્યું હતું કે ૧૧ તારીખે સવારે ૪ વાગ્યે અમે અયોધ્યા પહોંચીશુ. ત્યા ટેન્ટ સિટીમાં રહેવાની સુવિધા છે. અયોધ્યા દર્શન બાદ તા.૧૨મીના રોજ બપોરે અયોધ્યાથી રિટર્ન થઇશું અને ૧૪ તારીખે પરત વડોદરા પહોંચીશુ. અયોધ્યાથી લાવવામાં આવેલો પ્રસાદ વડોદરાની ૧૫૦૦ સોસાયટીઓમાં વહેંચાશે.